• સોમવાર, 13 એપ્રિલ, 2026

શાંતિ વાટાઘાટ વિફળ : યુદ્ધવિરામ ઉપર જોખમ

ઈસ્લામાબાદમાં 21 કલાકની ઘનિષ્ઠ ચર્ચા અનિર્ણિત : ઈરાને અમેરિકાની શરતોને આત્યંતિક અને ગેરકાનૂની ગણાવી કબૂલવા ઈનકાર કરી દીધો

ટ્રમ્પે હવે ઈરાનની નાકાબંધી કરવાની આપી ચેતવણી : ઈરાને કહ્યું, અમેરિકા વિશ્વાસ જીતવામાં નિષ્ફળ

ઈસ્લામાબાદ,તા.12: સમગ્ર વિશ્વની જેનાં ઉપર મીટ મંડાયેલી હતી એવી અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો વિફળ થઈ ગઈ છે. સ્થાયી યુદ્ધવિરામ અને શાંતિ માટે આશરે 21 કલાક જેટલી લાંબી ચાલેલી આ ઘનિષ્ઠ ચર્ચામાં અનેક મુદ્દે બન્ને પક્ષ સહમત થઈ ગયા હતાં પણ બેથી ત્રણ જેટલા પ્રમુખ મુદ્દાઓ ઉપર મડાગાંઠ નહીં ઉકેલાતા ફરી એકવાર ઘમસાણ યુદ્ધ અને વિશ્વમાં ઊર્જા સંકટનાં વાદળો ઘેરાઈ ગયા છે.

પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદમાં યોજાયેલી આ વાટાઘાટ બાદ આજે સવારે અમેરિકા પરત રવાના થતાં પહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું હતું કે, અમેરિકા તરફથી શ્રેષ્ઠ અને અંતિમ ઓફર આપી દેવામાં આવી હતી પણ ઈરાને આ શરતો નહીં માનવાનું પસંદ કર્યુ છે. 21 કલાક ચાલેલી વાટાઘાટમાં અનેક નક્કર મુદ્દાઓની ચર્ચા થઈ હતી પણ આમાં માઠા સમાચાર એ છે કે, કોઈ સમજૂતી સાધી શકાઈ નથી. વોશિંગ્ટન ઈરાન પાસેથી મૂળભૂત રીતે તહેરાન પાસેથી પરમાણુ કાર્યક્રમ બંધ કરવાની બાંયધરી માગે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કેન્દ્રવર્તી હેતુ પણ ઈરાનને પરમાણુ શત્રો મેળવતા રોકવાનો છે. સમગ્ર વાટાઘાટમાં ટ્રમ્પ પણ જોડાયેલા રહ્યા હતાં. વેન્સે આગળ કહ્યું હતું કે, આ બેઠકમાં સમજૂતી ન થવી એ અમેરિકા માટે સારા સમાચાર નથી પણ ઈરાન માટે તો ખરાબ સમાચાર જ છે.

બીજીબાજુ ઈરાનનાં વિદેશ મંત્રાલયે આ વાટાઘાટને ઘનિષ્ઠ ગણાવતાં વોશિંગ્ટનની માગણીઓને આત્યંતિક ગણાવી હતી. ઈરાન પોતાનાં પરમાણુ કાર્યક્રમ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે ઝૂકવા તૈયાર નથી. કોઈપણ પ્રકારનાં અમેરિકી દબાણને તાબે નહીં થવાનો સંકેત પણ ઈરાને આપી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, શનિવારે અમેરિકા અને ઈરાનનાં પ્રતિનિધિ મંડળ વચ્ચે ઈસ્લામાબાદમાં આશરે 21 કલાક જેટલી લાંબી વાટાઘાટો ચાલી હતી. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસને પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યુ હતું. જ્યારે ઈરાન તરફથી વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને સંસદનાં સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફ વાટાઘાટમાં જોડાયા હતાં. મધ્યસ્થીની ભૂમિકામાં રહેલા પાકિસ્તાન તરફથી વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ અસીમ મુનીર બેઠકમાં મોજૂદ રહેલા. ડોનાલ્ડ ટ્રમ્પ પણ જરૂર પડયે હોટલાઈનથી સતત સંપર્કમાં રહ્યાં હોવાનું પણ જાણવા મળે છે. આ વાટાઘાટો વિફળ રહેવાનું કારણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ  અને ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. ઈરાન હવે હોર્મુઝ ઉપર સંપૂર્ણ નિયંત્રણ માગી રહ્યું છે. આ ઉપરાંત પરમાણુ કાર્યક્રમમાં આગળ નહીં વધવાની કોઈપણ બાંયધરી આપવા માટે રાજી નથી.

આ વાટાઘાટ કોઈ ઉકેલ વિના પૂરી થઈ ગયા બાદ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, જો ઈરાન ઝૂકશે નહીં તો મારી પાસે ટ્રમ્પકાર્ડ છે. આ સાથે જ ટ્રમ્પે એક વેબસાઈટની લિંક પણ શેર કરી હતી. જેમાં નેવલ બ્લોકેડને ટ્રમ્પ કાર્ડ ગણાવવામાં આવ્યું હતું. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વેનેઝુએલાની નાકાબંધી કરીને જેવી રીતે તેની અર્થવ્યવસ્થાને તબાહ કરી નાખવામાં આવી તેવી જ નાકાબંધી ઈરાનની પણ થઈ શકે છે.

તો બીજીબાજુ ઈરાની સંસદનાં સ્પીકર અને મુખ્ય વાટાઘાટકાર બાઘેરે કહ્યું હતું કે, અમેરિકાનું પ્રતિનિધિમંડળ ઈરાનનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યંy છે. તેમ છતાં હજી પણ વાટાઘાટનાં વધુ એક ચરણનો દરવાજો ખુલ્લો હોવાનો સંકેત તેમણે આપ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક