• સોમવાર, 13 એપ્રિલ, 2026

ગોંડલમાં માલિકે પઠાણી ઉઘરાણી કરી કર્મચારીને માર માર્યો સુલતાનપુર પોલીસમાં મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

ગોંડલ,તા.12: ગોંડલ માં ફાઇનાન્સની ઓફિસમાં નોકરી કરતા કર્મચારીએ નોકરી છોડવાની વાત કરતા માલિકે ખોટી ઉઘરાણીની  કબૂલાત કરાવવા ધમકી  આપી માર મારવા અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ગોંડલની મોટી બજારમાં રહેતા અકીલભાઈ અખ્તરભાઈ અલાણીએ સુલતાનપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ વર્ષ 2019થી વાસાવડ રહેતા અશફાક હનીફભાઈ સલાટની ટાઈગર ફાઈનાન્સ ઓફિસમાં નોકરી કરતા હતા. નોકરી દરમિયાન ઓફિસ ઉપરાંત વ્યક્તિગત કામો પણ કરાવવામાં આવતા હતા. દરમિયાન તેમણે નોકરી છોડવાની વાત કરતા તેમને માર મારી રૂ.2.20 લાખની ખોટી ઉઘરાણી કબૂલ કરાવવામાં આવી હતી અને પગારમાંથી દર મહિને રૂપિયા કાપીને કુલ રૂ. 2.88 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ રૂ.3.50 લાખની નોટરી કરાવી વધુ રકમ માટે દબાણ કરાયું હતું.

આરોપીએ ત્રણ ખાલી સહીવાળા ચેક લઈ લીધા પછી આ ચેકમાં રૂ. 8.50 લાખ ભરીને અન્ય વ્યક્તિ મારફતે ચેક બાઉન્સ નોટિસ મોકલાવી ફરિયાદીને સતત ધમકીઓ આપવામાં આવી કે પૈસા ન આપ્યા તો હાથ-પગ તોડી નાખશે. આ અંગે પોલીસે મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક