• સોમવાર, 13 એપ્રિલ, 2026

ઓખાના દરિયામાં પોલીસનો સપાટો ગેરકાયદે ફિશિંગ કરતી 55 બોટ ઝડપાઈ

બોટ માલિકો દ્વારા વધુ માછલીઓ પકડવા ટંડેલોને લાઇન ફિશિંગ કરવા પ્રોત્સાહિત કરાતા હોવાનું ખૂલ્યું

ઓખા, ખંભાળિયા, તા.12 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર માછીમારીને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઓખાના દરિયામાં એસઓજીએ સપાટો બોલાવી ગેરકાયદે લાઇન ફિશિંગ કરતી 55 બોટને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

 રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચના અને દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજાસિંહ વાળાનાં માર્ગદર્શન હેઠળ એસઓજી પી.આઇ. વી. એ. રાણા, પીએસઆઇ ડી. એ. વાળા સહિતનો સ્ટાફ પેટ્રાલિંગમાં હતો દરમિયાન અમુક માછીમારી બોટના માલિકો દ્વારા તેમની માછીમારી બોટના ટંડેલને લાઈન ફાશિંગ કરીને વધુમાં વધુ માછલીઓ પકડવા માટે સૂચનાઓ કરી હોય જેથી દરિયામાં આશરે 55 જેટલી માછીમારી બોટ ઓખા મઢીના દરિયાઈ વિસ્તારમાં લાઈન ફાશિંગ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે દરિયામાં આશરે 8-9 નોટિકલ માઇલ દૂર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા અલગ અલગ ચાર ગ્રુપમાં માછીમારી બોટો જોડાઈને લાઇન ફાશિંગ કરતી કુલ 55 માછીમારી બોટોને પોલીસે ઝડપી ઝડપી પાડી હતી. પોલીસે તમામ માછીમારી બોટના ટંડેલને માછીમારી બોટોને જોડીને લાઈન ફાશિંગ કરવા બાબતે પૂછપરછ કરાતા વધુ પ્રમાણમાં માછલીઓ મળી રહે તે માટે લાઇન ફિશિંગ માટે ટંડેલને પ્રોત્સાહન આપતા હોવાનું જણાવતા તેઓ લાઈન ફિશિંગ કરતા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તમામ 55 માછીમારી બોટો વિરુદ્ધમાં ફિશરીઝ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.     

 

ઇ-પેપરના નવા શુલ્ક