વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગે દંડ અને દુકાન સીલ સુધીની કડક કાર્યવાહીનો દાવો કર્યો
રાજકોટ,તા.26 : શહેરના કાલાવડ રોડ પર આવેલા પોમોઝ પીઝામાં પીરસાયેલી પેસ્ટ્રીને લઈને વિવાદ સર્જાયો છે. એક મહિલા ગ્રાહકે પેસ્ટ્રી બગડેલી અને ખાવા લાયક ન હોવાનો આક્ષેપ કરતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જે ઝડપથી વાયરલ થયો છે. આ ઘટના બાદ શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. લોકો ખાણીપીણીના વેપારીઓ સામે નિયમિત તપાસ અને કડક અમલવારીની માગ કરી રહ્યા છે.
વીડિયોમાં મહિલા પેસ્ટ્રીનો અંદરનો ભાગ બતાવી કહે છે કે, તેમાં ચીકણા તાંતણા જોવા મળે છે અને તે સંપૂર્ણપણે બગડી ગઈ છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આવી વસ્તુ કોઈ પોતાના ઘરે ખાય? ગ્રાહકો પૈસા ચૂકવીને ગુણવત્તાયુક્ત ખોરાકની અપેક્ષા રાખે છે, ત્યારે આવી બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી. બીજી તરફ, દુકાનના સંચાલકે બચાવ કરતાં જણાવ્યું કે પેસ્ટ્રી બરાબર બેક ન થવાને કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. તેમના જણાવ્યા મુજબ આ વાસી ખોરાકનો નહીં, પરંતુ બાકિંગની પ્રક્રિયાની ખામીનો મુદ્દો છે.
મનપાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાંકાણીએ આ મામલે કહ્યું હતું કે, આ મામલે કોઈ લેખિત ફરિયાદ મળી નથી. છતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને ધ્યાનમાં રાખીને પોમોઝ પીઝામાં તપાસ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન અખાદ્ય અથવા વાસી ખાદ્યપદાર્થોનું વેચાણ થતું હોવાનું સામે આવશે તો નિયમ મુજબ દંડ, ખાદ્યપદાર્થોનો નાશ અને જરૂર પડે તો દુકાનને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.