‘બોલ્ડ’ દેખાવાની ઘેલછામાં સંસ્કારી ગરિમા ભુલાઈ રહી છે : મનો-સામાજિક રિસર્ચ સરવેમાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટ, તા. 16: ભારતીય પરંપરા અને સામાજિક મૂલ્યોમાં, યુવા પેઢીના વૈચારિક અને વ્યાવહારિક અભિગમમાં વર્તમાન ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક, પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ અને રીલ્સ-સિનેમાના આક્રમણથી અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એમ.એ. મનોવિજ્ઞાનની વિદ્યાર્થિનીઓ દ્વારા આ અંગે 1300 લોકો પર કરાયેલા સરવેમાં જણાયું હતું કે, 67.80% લોકોનું દ્રઢપણે માનવું છે કે ફિલ્મો અને વેબ સિરીઝમાં અસભ્ય ભાષા બોલતી તથા અસંસ્કારી વર્તન કરતી મહિલાઓને ‘આધુનિક’ દર્શાવવાથી યુવતીઓની માનસિકતા ખૂબ જ દૂષિત થઈ રહી છે અને તેઓ આને જ ફેશન/ટ્રેન્ડ સમજી અનુકરણ કરે છે.
52.50% લોકો માને છે કે આધુનિકતાના નામે ‘બોલ્ડ’ કે ‘પાવરફૂલ‘ દેખાવાની હોડમાં યુવા પેઢી ભારતીય નારીત્વની મૂળભૂત ગરિમા, શાલીનતા અને મર્યાદા ભૂલી રહી છે. આ વાતમાં 24.80% લોકો અંશત: સહમત છે.
45.80% લોકોના મતે સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયો કે રીલ્સમાં દેખાતી અભદ્ર ભાષા અને તોડફોડને નાગરિકો સામાજિક અરાજકતા અને નૈતિક અધ:પતનની કેટેગરીમાં મૂકે છે. જ્યારે 29.80% લોકો આને નારી સશક્તિકરણનો ખોટો માર્ગ ગણાવે છે
43.80% લોકો કહે છે કે આનાથી સાંસ્કૃતિક વારસાનું વિસ્મરણ થયું છે. સીતા, સાવિત્રી કે અનસૂયા જેવા ભારતીય આદર્શો ભુલાતા યુવા ધનમાં વૈચારિક પતન થયું છે. જોકે ધ્યાન આપવા જેવી બાબત છે કે 34.70% લોકો આ જૂના આદર્શોને આજના યુગમાં વ્યવહારુ લાગતા નથી.
પ્રોફેસર યોગેશ જોગસણ અને ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં આ સરવે વિદ્યાર્થિનીઓ દિવ્યા જાંબુસા અને આશકાન વીડજા દ્વારા કરવામા આવ્યો હતો.