• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

શહેરમાં વધુ સવા ઈંચ સાથે સીઝનનો કુલ 35 ઈંચ વરસાદ

અનેક વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા અમૂલ સર્કલ પાસે રસ્તો ઓછો અને ખાડા વધુ હોવાથી વાહનચાલકોને ભારે તકલીફ પડી

 

રાજકોટ, તા.7 : શહેરમાં લાંબા વિરામ બાદ મેઘસવારી આવી પહોંચી છે. શનિવારે બે ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ સવા ઇંચ વરસાદ વરસી ગયો છે. આ સાથે સિઝનનો 35 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રાજકોટ શહેરના 20 લાખ લોકોની જીવાદોરી સમાન આજી-ડેમ છલોછલ ભરાઈ જતાં લોકો ઓવરફ્લોનો નજારો નિહાળવા ડેમ સાઈટ ઉપર પહોચ્યા હતા. બીજી તરફ વરસાદને કારણે શહેરના તમામ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને તેમાં પણ ખાડાઓને કારણે વાહનચાલકોએ ખૂબ જ મુશ્કેલી ભોગવી હતી. અમુક જગ્યાએ ખાડાના કારણે અકસ્માત થતા વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી.

શહેરમાં છેલ્લા ચોવિસ કલાકમાં વેસ્ટ ઝોનમાં 1 ઇંચ સાથે સીઝનનો કુલ 34.56 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં 1 ઈંચ સાથે સિઝનનો કુલ 32.96 ઈંચ તેમજ ઇસ્ટ ઝોનમાં 1 ઇંચ સાથે કુલ 26.08 ઈંચ વરસાદ નોંધાયો છે. 29 ફૂટની કુલ સપાટી ધરાવતો આજી-1 ડેમ આજે છલોછલ ભરાઈ ગયો હતો. જેને લઈને લોકો ડેમ સાઈટ ઉપર પહોચી ગયા હતા. જો કે, સાંજ સુધી વરસાદ જ ન વરસતા ડેમ ઓવરફ્લો થયો નહોતો. ડેમ ઉપર લોકોની અવરજવર ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન હાલ સાવચેતીના ભાગરૂપે આજી ડેમ હેઠળના જંગલેશ્વર, રામનાથપરા સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયાં છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમવાર આજી ડેમ 1976માં છલકાયો હતો. બાદમાં વરસાદી માહોલમાં નવા નીરની આવક તેમજ સૌની યોજના અમલી બન્યાં બાદ કુલ 20 વખત ડેમ ઓવરફ્લો થયો છે. ખાસ કરીને 2019થી 2024 સુધીમાં ડેમ સતત ઓવરફ્લો થયો છે.

સામાન્ય વરસાદમાં પણ નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શહેરના આજી ડેમ નજીક અમૂલ સર્કલ પાસે રસ્તો ઓછો ને ખાડાઓ વધુ જોવા મળ્યા હતા. આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા મોટા વાહનચાલકોને તકલીફ પડી હતી. નાના વાહન ચાલકો પડતા પડતા માંડ બચ્યા હતા. આ સિવાય શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, નાના મવા રોડ, 150 ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી અને માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક