• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

બંગાળમાં પશુ ચોરીની શંકાએ મોબ લિંચિંગ : બેનાં મૃત્યુ

કોલકાતા, તા. 4 : પશ્ચિમ બંગાળના સિલીગુડી સ્થિત બાગડોગરા વિસ્તારમાં પશુ ચોરીની શંકાએ બેકાબૂ ભીડે કરેલા જીવલેણ હુમલામાં બે લોકોના મૃત્યુનો બનાવ સામે આવ્યો હતો. મોબ લિંચિંગની આ ઘટનાથી પુરા વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. બનાવમાં ત્રણ અન્ય  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે મૃતકોની ઓળખ મોહમ્મદ સાહિદ અખ્તર અને શાહ મોહમ્મદના રુપમાં કરી છે.

સિલીગુડી મેટ્રોપોલિટન પોલીસના એસીપીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, એક વ્યક્તિનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું અને બીજાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. ઘાયલોનો ઈલાજ ચાલી રહ્યો છે અને બનાવની ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના બાદ મૃતક મોહમ્મદ સાહિદની પુત્રીએ કહ્યું હતું કે, તેના પિતા પશુઓની બજારે ગયા હતા. તેઓ દરરોજની જેમ પરત ફરશે તેવું લાગી રહ્યું હતું પણ વિલંબ થતા તપાસ કરી હતી. બાદમાં અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તેના પિતાની સ્થિતિ ગંભીર છે. પોલીસને લઈને તરત જ તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતા પણ ત્યાં સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું.

સિલીગુડી પોલીસ અનુસાર ઘટનાની માહિતી મળતા જ ભારે પોલીસ દળ સ્થળે રવાના કરવામાં આવ્યું હતું અને ભીડને વિખેરીને ઘાયલોને તાકીદે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અફવા ફેલાવનારા અને ઉપદ્રવીઓની ઓળખ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. હકીકતમાં મોબ લિચિંગની આ ઘટનાથી પુરા વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. જેના કારણે પોલીસ દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક