ફરિયાદી જ નીકળ્યો મુખ્ય આરોપી : 43 લોકો સાથે 42.55 લાખની છેતરાપિંડીની પોરબંદરમાં થઈ હતી પોલીસ ફરિયાદ
(ફૂલછાબ
ન્યુઝ)
પોરબંદર,
તા. 4 : વિદેશમાં નોકરી અને વર્ક વિઝા અપાવવાના બહાને લોકોને છેતરવાના એક મોટા કૌભાંડનો
બગવદર પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે જેણે ફરિયાદ નોંધાવી
હતી, તપાસમાં તે જ મુખ્ય આરોપી નીકળ્યો છે.
બગવદર પોલીસ સ્ટેશન માં છેતરાપિંડીનો ગુનો દાખલ થયો
હતો. મૂળ ફરિયાદી રામભાઈ સાજણભાઈ ગોઢાણિયા (રહે. કુણવદર)એ ફરિયાદ કરેલ કે રીધાન ઇમિગ્રેશન
એન્ડ મેનેજમેન્ટ સર્વિસિઝ લી. નામની કંપનીના ભાગીદારો કાજલ આદિત્ય જોષી, આદિત્ય જોષી
અને કર્મચારી શ્રેયા પટેલ (રહે. વડોદરા) એ 43 લોકો પાસેથી કુલ રૂ. 42,55,560ની છેતરાપિંડી
કરી છે.
તપાસ
દરમિયાન પુરાવા અને બેન્ક ટ્રાન્ઝેક્શન તથા ટેકનિકલ સોર્સથી ખૂલવા પામ્યું કે ફરિયાદી
રામભાઈ ગોઢાણીયા પોતે જ આ કંપનીનો સબ એજન્ટ હતો. તેની મોડસ ઓપરેન્ડી એવી હતી કે પોતાની
યુ-ટયૂબ ચેનલ પર વિદેશમાં વર્ક વિઝા પર જવા અંગેના આકર્ષક વીડિયો બનાવી વાયરલ કરતો
હતો. ભોળા યુવાનોને વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપતો. પોતે જ રોકડ અને બેન્ક
મારફતે 43 લોકો પાસેથી લાખો રૂપિયા મેળવી લેતો.
આમ,
ફરિયાદી જ આરોપી હોવાનું પ્રસ્થાપિત થતા, તેને પોતાની જ ફરિયાદમાં આરોપી તરીકે તેની
14-9ના રોજ અટક કરવામાં આવી હતી. જોકે પોલીસે સમગ્ર ઘટના આજે જાહેર કરી હતી.
સેશન્સ કોર્ટ, પોરબંદર દ્વારા તેની નિયમિત જામીન
અરજી નામંજૂર કરવામાં આવી છે અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જૂનાગઢ રેન્જ આઇ.જી.
રાજેન્દ્રાસિંહ સુડાસમા, પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથાસિંહ જાડેજા તથા ગ્રામ્ય
ડીવાય.એસ. પી. સુરજીત મહેડુનાં માર્ગદર્શન
હેઠળ પીએસઆઇ આર.એ. ઝાલા અને તેમની ટીમે આ કામગીરી કરી હતી.
વિદેશ
જવાના શોર્ટકટથી બચો
પોલીસે
જાહેર અપીલ કરી છે કે વિદેશ જવાના શોર્ટકટથી બચો. યુ-ટયૂબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર
વિદેશમાં નોકરીની જાહેરાત જોઈને લલચાશો નહીં. કોઈપણ એજન્ટને પૈસા આપતા પહેલા તેનું
લાયસન્સ અને કંપનીની સત્યતા ચકાસો. રોકડ વ્યવહાર ટાળો.કોઈપણ એજન્ટને રોકડમાં પૈસા આપવા
નહીં. બેન્ક ટ્રાન્ઝેક્શનની રસીદ સાચવી રાખો પોલીસમાં સાચી હકીકત જણાવો પોલીસમાં ફરિયાદ
કરતી વખતે સંપૂર્ણ સત્ય અને ચકાસેલી હકીકત જ રજૂ કરવી. જો કોઈ પણ આવા વિદેશ મોકલવાનાં
નામે છેતરાપિંડીનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ
કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો છે.