• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ફ્લાયદુબઈ જેવા વધુ હુમલા કરવા અલકાયદાની ધમકી

 અલકાયદાનાં સામયિકમાં 9/11નો ઉલ્લેખ : અમેરિકા અને ઈઝરાયલનાં નાગરિકો સાથેનાં વિમાનોને નિશાન બનાવવા ચેતવણી

 

નવીદિલ્હી,તા.4: દુબઈથી તેલઅવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હુમલાની ઘટના બાદ હવે અલકાયદા સાથે સંબંધિત એક પ્રકાશને અમેરિકા અને ઈઝરાયલનાં યાત્રીઓ ભર્યા હોય તેવા વિમાનોને નિશાન બનાવવાની ધમકી આપી છે.

અલકાયદા સંબંધિત અલ-બયાન સામયિકનાં નવા અંકમાં અમેરિકામાં થયેલા 9/11નાં આતંકી હુમલાનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધ હજી ખતમ થયું નથી. અમેરિકા, ઈઝરાયલ અને ઈસ્લામ સામે લડનારાઓને લઈ જતાં વિમાનો હજી પણ આકાશમાં ઉડી રહ્યાં છે અને તેને નિશાન બનાવવામાં આવી શકે છે.

ફ્લાયદુબઈનાં વિમાનમાં સહપાયલટ હમામ અલ-હમામીની તપાસમાં બહાર આવ્યું છે કે, તે ઓમાનનો નાગરિક છે અને તેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અલકાયદાનાં પૂર્વ પ્રમુખ ઓસામા બિન લાદેન અને અયમાન અલ-જવાહિરી સહિતનાં લોકો સંબંધિત સામગ્રીઓ જોવા મળી હતી. ઈઝરાયલનાં વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ પણ દાવો કર્યો હતો કે, પાયલટ કટ્ટર ઈસ્લામિક વિચારોથી પ્રભાવિત હતો અને તેનો ઈરાદો વિમાનને તોડી પાડવાનો હતો.

 

શું ઈઝરાયલે નજરઅંદાજ કરી યુએઇની ચેતવણી ?

 

હુમલાખોર કો-પાયલટ સહિતની જાણકારીઓ અગાઉ આપવામાં આવી હતી

અબુ ધાબી, તા.4 : સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) તરફથી ઇઝરાયલને ફ્લાયદુબઈની તે ફ્લાઇટમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બરની માહિતી આપી હતી, જેમાં ઓમાનના કો-પાયલટે કથિત રીતે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરીને વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ધ એસોસિયેટેડ પ્રેસના અહેવાલ અનુસાર, આ ખુલાસા બાદ નવા સવાલો ઊભા થયા છે કે ઓમાન દ્વારા અગાઉ જ તેની ઉગ્રવાદી વિચારસરણીને કારણે તેને ફ્લાઇટમાં ઉડાન ભરવાથી રોકવામાં આવ્યો હતો, તો પછી તે ઇઝરાયલ જતી ફ્લાઇટમાં કેવી રીતે સવાર થઈ શક્યો ?

આ ઘટનાની તપાસનું નેતૃત્વ કરી રહેલા યુએઈએ બુધવારે બનેલી આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. કથિત રીતે કો-પાયલટે કોકપિટમાં રાખેલી ઇમરજન્સી કુહાડી વડે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ ઝડપથી નીચે જઈ રહેલા વિમાન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

યુએઇએઁ ઇઝરાયેલને ફ્લાઇટમાં સવાર લોકોની માહિતી આપી હતી, જેમાં તેમની રાષ્ટ્રીયતા પણ સામેલ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયલે કોઈપણ મુસાફર અથવા ક્રૂ સભ્ય અંગે કોઈ ચેતવણી જાહેર કરી નહોતી. ઇઝરાયલની આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટએ જણાવ્યું છે કે વિદેશી ફ્લાઇટના મુસાફરોની યાદીની તપાસ કરવાની જવાબદારી પરિવહન મંત્રાલયની છે. જોકે, પરિવહન મંત્રી મિરી રેગેવએ જણાવ્યું હતું કે ફ્લાઇટની સુરક્ષા માટે સુરક્ષા એજન્સીઓ જવાબદાર છે અને તેમના મંત્રાલયને મુસાફરોની યાદી અથવા કો-પાઇલટ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી. 

ઇ-પેપરના નવા શુલ્ક