ઓડદર ગામનો દુષ્કર્મનો આરોપી ભાજપના કાર્યક્રમમાં અઠવાડિયા પહેલા હતો અતિથિ !
પોરબંદર,
તા. 4 : પોરબંદર નજીકના ઓડદર ગામે રહેતા નામચીન ઈસમ સામે ગુજસીટોક સહિત અનેક ફરિયાદો
થઈ ગઈ છે અને ઘણા સમય સુધી તે જેલમાં જઈ ચૂક્યો છે આ ઈસમ સામે ગઈકાલે સગીરા ઉપર છ છ
વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ દાખલ થઈ છે તેની સાથોસાથ પોરબંદરના સોશિયલ મીડિયામાં
તેની તાજેતરની તસવીરો વાયરલ થઈ છે જેમાં તે અઠવાડિયા પહેલા ભાજપના કાર્યક્રમમાં અતિથિ
તરીકે સ્ટેજ ઉપર હતો તેથી પોરબંદર ભાજપ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે
તાજેતરમાં ઓડદર ગામના કુખ્યાત માથાભારે ઈસમ રમેશ
ભીખા છેલાણા સામે 11 વર્ષની માસૂમ દીકરી પર 6 વર્ષ સુધી સતત દુષ્કર્મ ગુજારવાની અત્યંત
ઘૃણાસ્પદ અને ગંભીર ફરિયાદ દાખલ થઈ છે. આરોપ મુજબ 11 વર્ષની ઉંમરથી 17 વર્ષની થઈ ત્યાં
સુધી આ નરાધમે તેને પીંખી છે. આ ઉપરાંત આ ઈસમ સામે અગાઉ ગુજસીટોક, ખૂન, ખૂનની કોશિશ
સહિતના અનેક ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે.
આ જ
માથાભારે ઈસમ અઠવાડિયા પહેલા જ પોરબંદર ભાજપ દ્વારા યોજાયેલા એક જાહેર કાર્યક્રમના
સ્ટેજ ઉપર ભાજપના આગેવાનો સાથે ખભે કેસરિયો ખેસ પહેરીને ગર્વભેર બેઠેલો જોવા મળ્યો
હતો. તેની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા છે અને લોકોમાં ભારે
રોષ જોવા મળી રહ્યો છે.