• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

તળાજામાં પતિના મૃત્યુ મામલે પત્નીની ન્યાય માટે પોલીસને અરજી

સ્યુસાઇડ નોટમાં દર્શાવાયેલા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત

તળાજા, તા.4: તળાજામાં ચાર દિવસ પહેલાં આધેડના થયેલા આપઘાતના બનાવમાં નવો વળાંક આવ્યો છે. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં કેટલાક લોકોના નામનો ઉલ્લેખ હોવાના આક્ષેપ સાથે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા મૃતકની પત્નીએ તળાજા પોલીસ સમક્ષ લેખિત અરજી કરી છે. પત્નીએ આક્ષેપ કર્યો છે કે સંબંધિત લોકોના કથિત ત્રાસ, દબાણ અને ધમકીના કારણે તેમના પતિ માનસિક રીતે પરેશાન હતા.

દીનદયાળ નગરમાં રહેતા સમીનાબેન ફિરોજશા (મુન્નાભાઈ) પટ્ટણીએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેમના પતિ ગોપનાથ રોડ વિસ્તારમાં બોડીકામ અને વેલ્ડિગનું કામ કરતા હતા. તા.28ના રોજ તેમનું મૃતદેહ મળી આવ્યું હતું. તપાસ દરમિયાન તેમના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવતા પોલીસે તેને કબજે લીધી હતી. આ ચિઠ્ઠીમાં મોત માટે જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયેલા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સમીનાબેને અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેમના પતિને સતત માનસિક ત્રાસ અને દબાણ આપવામાં આવતું હતું. જેના કારણે તેઓ ભારે પરેશાનીમાં હતા. મૃતકને ચાર નાના સંતાનો હોવાનું પણ અરજીમાં જણાવાયું છે. પરિવારનો આધાર ગુમાવતા બાળકો નિરાધાર બન્યા હોવાનું કહી મહિલાએ પોલીસ સમક્ષ જવાબદાર લોકો સામે તપાસ કરી ન્યાય અપાવવા વિનંતી કરી છે.

ચિઠ્ઠીમાં નાણાકીય વ્યવહાર અને વ્યાજના મુદ્દાનો પણ ઉલ્લેખ હોવાની ચર્ચા છે. હવે પોલીસ અરજીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક