નવીદિલ્હી, તા.13 : એક છાત્રનાં આપઘાતના કેસમાં પ્રાધ્યાપક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખૂબ જ નાટકીય દલીલો થઈ હતી અને આમાં કોર્ટે એક મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, હવે સમય બદલાઈ ગયો છે અને વર્ગખંડમાં શિક્ષકો બાળકોને હડધૂત કરી શકતા નથી.
પ્રોફેસર તરફથી કોર્ટમાં રજૂ
થયેલા વરિષ્ઠ એડવોકેટ ડી. એસ. નાયડુએ તર્ક આપ્યો હતો કે, ક્લાસમાં કથિત રીતે કરવામાં
આવેલું અપમાન આત્મહત્યાનાં એક માસ પહેલાં બનેલી ઘટના હતી. તેથી આને મૃત્યુનું તાત્કાલિક
કે પ્રત્યક્ષ કારણ માની શકાય નહીં. આ સાથે જ છાત્રનાં મૃત્યુનાં એક કલાક પહેલાં બનેલી
એક ઘટના તરફથી પણ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. છાત્રએ એક મોબાઇલ એપમાંથી લોન
લીધી હતી અને તેમાં અનુમતી વગર જ પ્રોફેસરનું નામ ગેરેન્ટર તરીકે ઉપયોગ કર્યું હતું.
આ ઉપરાંત તેને લોન રીકવરી એજન્ટ પણ પરેશાન કરતા હતા.
પ્રાધ્યાપક તરફથી કોર્ટમાં એવી
દલીલ પણ આપવામાં આવી હતી કે, શિક્ષકો ક્યારેક બાળકોનાં હિતમાં સખતાઈ કરી શકે છે અને
આ પ્રકારનાં આચરણમાં શિક્ષકો સામે મુકદ્દમા ચાલશે તો શિક્ષકો ઉપર ખરાબ અસર પડશે. જેને
પગલે જસ્ટિસ મહેતાએ કહ્યું હતું કે, હવે સમય બદલાઈ ગયો છે. જૂના સમયમાં બાળકોની પીટાઈ
સામાન્ય બાબત હતી પણ હવે ચીજો બદલાઈ ગઈ છે. જો વર્ગખંડમાં છાત્રને તેનાં સહપાઠીઓની
સામે અપમાનિત કરવામાં આવે તો છાત્રનાં માનસ ઉપર થતી અરસને પણ નજરઅંદાજ કરી શકાય નહીં.
સમાજમાં એવો સંદેશો પણ જવો જ જોઈએ કે શિક્ષકો છાત્રને તિરસ્કૃત કરી શકતા નથી.