• શનિવાર, 07 નવેમ્બર, 2026

પોરબંદરના છેલાણા ગેંગના લીડર સામે પોકસો કેસ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી

માતાએ જ આરોપીને બચાવવા અરજી કરતાં જસ્ટિસ ગીતા ગોપીનો આકરો ઠપકો

પોરબંદર, તા.6: પોરબંદરના ઓડદર ગામમાં છેલાણા ગેંગના લીડર રમેશ ભીખા છેલાણા સામે નોંધાયેલા દુષ્કર્મના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આરોપી સામેનો પોકસો કેસ રદ કરવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે.

ફરિયાદ મુજબ, આરોપીએ સગીરા 11 વર્ષની હતી ત્યારથી 17 વર્ષની થઈ ત્યાં સુધી છ વર્ષ દરમિયાન વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત માતાજીના સમ અને હત્યાની ધમકીઓ આપીને તેને ચૂપ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં ચોંકાવનારી બાબત એ હતી કે પીડિતાની માતાએ જ એફઆઇઆર રદ કરવાની માંગ સાથે એફિડેવિટ રજૂ કરી હતી અને આવી કોઈ ઘટના બની ન હોવાનો દાવો કર્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ ગીતા ગોપીએ પોલીસના ડીએનએ રિપોર્ટનો ઉલ્લેખ કરતાં આરોપી પક્ષના વકીલોને આકરો ઠપકો આપ્યો હતો. માતાને પણ દીકરીના હિતમાં ઊભા રહેવા અંગે કડક શબ્દોમાં ટકોર કરી હતી. કોર્ટે ડીએનએ રિપોર્ટ અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અરજી નામંજૂર કરી હતી. 5 નવેમ્બર 2026ના આ આદેશ બાદ હવે કેસની કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક