• બુધવાર, 20 મે, 2026

મોરબી જિલ્લામાં બે કરુણ અકસ્માત : શોટ લાગતા યુવાનનું અને ટ્રેનની અડફેટે મહિલાનું મૃત્યુ

મોરબી, તા.19:મોરબી જિલ્લામાં અલગ-અલગ બે સ્થળોએ સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ટંકારાના નેકનામ ગામની સીમમાં આવેલા ‘સાહેબ ફાઈબર્સ’ કારખાનામાં નાઇટ શિફ્ટમાં કામ કરતા 20 વર્ષીય શ્રમિક કેવલકુમાર સદાયને સફાઈ દરમિયાન અચાનક ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં તેમને પડધરીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

બીજા બનાવમાં વાંકાનેરના કાશીપર ગામની સીમમાં રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે એક શ્રમિક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. 35 વર્ષીય સવિતાબેન ધોરીયા સવારે ઘરેથી વાડીએ જવા નીકળ્યા હતા, ત્યારે રેલવે ટ્રેક ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક