ખંઢેરા ગામે દુકાન ધરાવતા વેપારી નર્સિંગ કરતી દીકરીને લઇ જતા ત્યારે ડમ્પરચાલક કાળ બન્યો
તળાજા,
તા.19: તળાજા આસપાસના ગ્રામ્ય વિસ્તારના રોડ હોય કે નેશનલ હાઇવે બાઇકસવારો મોટા વાહન
સાથે અકસ્માત થવા લગભગ દરરોજ એકાદ વ્યક્તિ અકાળે મોતને શરણે થાય છે. તેની સાથે પરિવારનો
માળો પિંખાય જાય છે. ખંઢેરા ગામે પાન-માવાની દુકાન ચલાવતા આધેડ આજે તળાજામાં નર્સિગ
કરી રહેલી દીકરીને બાઇક પર ઘરે લઇ જતા હતા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતા દીકરીની
નજર સામે જ પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.
ખંઢેરા
ગામના રહીશ ભરતભાઇ ભુપતભાઇ સોલંકી (ઉ.વ.50) રાત્રીના 8 વાગ્યાના અરસામાં તળાજામાં નર્સિંગ
કરી રહેલી દીકરીને બાઇક પર બેસાડી ઘરે જઇ રહ્યા હતા. દકાના નજીક ડમ્પરચાલકે અડફેટે
લેતા જીવલેણ ઇજા થઇ હતી. 108 દ્વારા તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના
તબીબે મૃત જાહેર કર્યા હતા. દીકરીનું હૈયાફાટ રૂદન અહીં પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી
દે તેવું હતું.
બનાવના
પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણછોડભાઇ ચાવડાના નજીકના સંબંધી હોઇ તેના સહિત બગુભાઇ,
મુકેશભાઇ બારૈયા, નારણભાઇ બાંભનીયા સહિતના સેવાર્થે દોડી આવ્યા હતા.