(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 15: ગુજરાતમાં અમદાવાદ ધોલેરા વચ્ચેની દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ
કોરિડોર આપતાં અમદાવાદ (સરખેજ) ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક
મંજૂરી આપી છે. અંદાજે રૂ.20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ
સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેમાં ભવિષ્યમાં નમો ભારત
ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.
આ સેમી
હાઇ સ્પીડની ગતિ 220 કિમી પ્રતિ કલાકની રહેશે. કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં
આવશે. પ્રોજેક્ટ હેઠળ 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર વાયાડક્ટ, 39 રોડ અંડર બ્રિજ અને
2 રેલ ઓવર રેલ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કુલ ટ્રેક લંબાઈ અંદાજે 293 કિલોમીટર
રહેશે. પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.
રેલ
મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ન્યુ ઈન્ડિયાની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું
પ્રતિક છે.સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સમગ્ર દેશમાં સેમી હાઈ-સ્પીડ
રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.
ગુજરાત
સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક
અને આર્થિક વિકાસમાં નવો અધ્યાય સાબિત થશે. ધોલેરા જઈંછ ને સાબરમતી, ધોલેરા એરપોર્ટ
અને લોથલ સાથે જોડતો આ કોરિડોર રાજ્યની આર્થિક પ્રગતિને નવી દિશા આપશે.
અમદાવાદના
મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદ પ્રકાશે જણાવ્યું હતું કે 134 કિલોમીટર લાંબો આ કોરિડોર
એક્સપ્રેસવેની સમાનાંતર નવી એલાઇનમેન્ટ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને
ધોલેરા વિસ્તારને વિશ્વસ્તરીય રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેના કારણે મુસાફરોને ઝડપી,
સુરક્ષિત અને આધુનિક મુસાફરી સુવિધા મળશે તેમજ વિસ્તારમાં ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને
રોજગારમાં પણ નવી ગતિ મળશે.
તેમણે
વધુમાં જણાવ્યું કે, વિશ્વનો પ્રથમ બ્રોડગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર હવે ગુજરાતમાં
બનવા જઈ રહ્યો છે. પ્રથમ વખત વિશ્વમાં કોઈ સેમી હાઈ-સ્પીડ ટ્રેન 220 કિમી પ્રતિ કલાકની
ઝડપે બ્રોડગેજ ટ્રેક પર દોડશે. આ સમગ્ર પ્રોજેક્ટ અને ટ્રેન સંપૂર્ણપણે મેક ઈન ઈન્ડિયા
ટેક્નોલોજી ઉપર આધારિત છે.
પ્રોજેક્ટના
મુખ્ય લાભો જોઇએ તો તેમાં અંદાજે 284 ગામો અને 5 લાખથી વધુ વસ્તીને સીધો લાભ, દર વર્ષે
અંદાજે 20 લાખ ટન વધારાની માલવહન ક્ષમતા, લોજિસ્ટિક ખર્ચમાં દર વર્ષે અંદાજે રૂ.54
કરોડની બચત, નિર્માણ તબક્કામાં અંદાજે 91 લાખ માનવ-દિવસ રોજગાર સર્જન, અંદાજે 0.48
કરોડ લિટર ઇંધણની વાર્ષિક બચત, અંદાજે 2 કરોડ કિલોગ્રામ ઈઘ2 ઉત્સર્જનમાં ઘટાડો (લગભગ
10 લાખ વૃક્ષારોપણ જેટલા પર્યાવરણલક્ષી લાભ સમાન), સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર
સ્ટેશનો પર મેટ્રો નેટવર્ક સાથે એકીકરણ, સાબરમતી સ્ટેશન પર બુલેટ ટ્રેન કનેક્ટિવિટી
અને મોરૈયા (સાણંદ) ખાતે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને ભીમનાથ લોજિસ્ટિક હબ સાથે જોડાણનો
સમાવેશ થાય છે.