ઇડન ગાર્ડન પર પ્લેઓફની રહી-સહી આશા જીવંત રાખવાનો KKR સમક્ષ પડકાર
કોલકતા,
તા.1પ: શનિવારે ડબલ હેડર નથી. એક માત્ર મુકાબલામાં કોલકતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત
ટાઈન્ટસ ટીમ આમને-સામને હશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત ટાઈન્ટસે સમય પર
રફતાર પકડી લીધી છે અને 12 મેચમાં 16 અંક સાથે પ્લેઓફની સમીપ છે. તેને બસ એક જીતની
જરૂર છે. બીજી તરફ કેકેઆરના ખાતામાં છેક 8 નંબર પર છે. આમ છતાં તેની પ્લેઓફ પ્રવેશની
આશા સમાપ્ત થઇ નથી. ધૂંધળી આશા જીવંત છે. અજિંકયા રહાણેની ટીમના 11 મેચમાં 4 જીતથી
9 અંક છે. તેની પાસે ત્રણ મેચ બચ્યા છે અને દરેક મેચ કરો યા મરો સમાન છે.
આઇપીએલ-2026
સીઝન અધવચ્ચે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી એક સમયથી ટોચની ટીમો ગોથું ખાઇ
ગઇ છે અને હવે પ્લેઓફ માટે સંઘર્ષ કરી રહી છે. આ સામે ગુજરાત ટાઈન્ટસે સળંગ પાંચ વિજય
સાથે દબદબો બનાવ્યો છે. હવે તેની નજર વિનિંગ સિક્સ સાથે પ્લેઓફ કવોલીફીકેશન પર છે.
કેકેઆર સામેના વિજયથી તેના 18 અંક થઇ જશે અને પોઇન્ટ ટેબલ પર ગિલની ટીમ આગળ કયૂની એટલે
કે કવોલીફાયની નિશાની આવી જશે. જો કે આ માટે કેકેઆરના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન પર ટાઈટન્સના
મધ્યક્રમના બેટર્સે જવાબદારી લેવી પડશે. ટીમને ફરી એકવાર કપ્તાન શુભમન ગિલ અને સાઇ
સુદર્શન પાસેથી સારી શરૂઆતની આશા રહેશે. વર્તમાન સીઝનમાં બન્ને ટીમની પહેલી ટક્કર અમદાવાદમાં
થઇ હતી ત્યારે જીટીનો બે દડા બાકી રહેતા વિજય થયો હતો.
આ મેચમાં
ટી-20 ક્રિકેટના દુનિયાના બે દિગ્ગજ સ્પિનર સુનિલ નારાયણ અને રાશિદ ખાન આમને-સામને
હશે. આ બન્ને ઇડન ગાર્ડનની સ્લો પીચ પર તેમની ટીમ માટે એકસ ફેકટર બની રહેશે. વરુણ ચક્રવર્તી
અનફિટ છે. જેની ખોટ કેકેઆરને પડી શકે છે.
કેકેઆર
તરફથી અંગકૃષ રઘુવંશી અને રિંકુ સિંહની છોડીને બેટિંગમા કોઇ પ્રભાવ છોડી શકયા નથી.
ફિન એલને દિલ્હી સામે આતશી સદી ફટકારી હતી. બાકીના મેચમાં તેનું બેટ શાંત રહ્યું છે.
કેકેઆરને તેના પાછલા મેચમાં આરસીબી સામે 6 વિકેટે હાર મળી હતી જ્યારે જીટી સનરાઇઝર્સ
વિરુદ્ધની 82 રનની મોટી જીત બાદ મેદાનમાં ઉતરશે. તેનું પલડું ભારે લાગી રહ્યું છે.