• શુક્રવાર, 15 મે, 2026

ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની સુરક્ષા જોખમાઈ : પોલીસમાં ફરિયાદ

આવારા તત્ત્વો દ્વારા

            લેડીઝ સ્ટાફના દિવસ-રાત વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી

ગોંડલ, તા.14 : ગોંડલની સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા સિટી એ-ડિવિઝન પોલીસ મથકે એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ ફરિયાદમાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ અને અન્ય સ્ટાફને અસામાજિક તત્ત્વો દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓ અંગે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. સતત વધતી ગેરપ્રવૃત્તિઓને કારણે હોસ્પિટલના ઇમરજન્સી, જનરલ અને મેટરનિટી વોર્ડના સ્ટાફમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે અને હોસ્પિટલનું વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું છે.

આ ગુનાહિત કૃત્યો પાછળ ગોંડલના બાવાબારી વિસ્તારમાં રહેતો અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ અને તેના સાગરીતો સંડોવાયેલા છે. આ શખસ રોજ કેફી પદાર્થોનું સેવન કરીને હોસ્પિટલમાં આવે છે અને લેડીઝ સ્ટાફના દિવસ-રાત વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકીઓ આપે છે. અર્જુન અવારનવાર બિનજરૂરી રીતે દાખલ થવા અને તેની મરજી મુજબ બાટલા ચડાવવા ડોક્ટરો પર દબાણ કરે છે. જો સ્ટાફ ના પાડે તો તે હોસ્પિટલમાં જ આપઘાત કરી સુસાઇડ નોટમાં સ્ટાફનાં નામ લખવાની ચીમકી આપે છે અને હૃદયમાં સ્ટેન્ટ હોવાનું બહાનું ધરી પોલીસથી ન ડરવાની વાત કરે છે.

આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અડધી રાત્રે તેના નશાખોર સાથીદારોને મોકલી તબીબોને ઉશ્કેરે છે. થોડા દિવસો પહેલાં જ તેણે હોસ્પિટલના વોર્ડમાં એક મહિલા દર્દીના સગા સાથે મારામારી કરી હતી, જે અંગે એ-ડિવિઝન પોલીસ મથકે તેની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. સારવાર લેવા આવતા સામાન્ય દર્દીઓની સુરક્ષા અને હોસ્પિટલના કર્મચારીઓના રક્ષણ માટે પોલીસ આ મામલે વહેલી તકે કડક કાનૂની પગલાં ભરે તેવી લોક માગણી થઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક