• શુક્રવાર, 15 મે, 2026

સેનાને ખરાબ હથિયાર આપશે તો કંપનીની ખેર નથી

રક્ષા મંત્રાલયે નિયમો બનાવ્યા કડક : પ્રતિબંધથી લઈને દંડ સુધીની જોગવાઈ

નવીદિલ્હી, તા.14 : હથિયારોની આપૂર્તિ (સપ્લાય)માં ગુણવત્તા માટે રક્ષા મંત્રાલય તરફથી સખ્તાઈ વધારી દેવામાં આવી છે. જો હવે કોઈ કંપની સેનાને ખરાબ હથિયારો આપશે, સમયસર શત્રો પૂરા નહીં પાડે, ટેકનિકલ માપદંડોમાં ખરા નહીં ઉતરે કે પછી ભ્રષ્ટાચારમાં સામેલ જણાશે તો તેને પાંચથી 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવશે.

આ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. રક્ષા મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નવા નિયમ સાથે જ 2016ના જૂના નિયમો સમાપ્ત થઈ ગયા છે. મંત્રાલયનું કહેવું છે કે, હવે સંરક્ષણ ખરીદીમાં કોઈપણ પ્રકારની ગડબડ કે બેદરકારી સાંખી લેવાશે નહીં.

હવે માત્ર ભ્રષ્ટાચાર જ નહીં બલકે શત્ર-સરંજામની ગુણવત્તા, આપૂર્તિમાં મોડું કે ટેકનિકલ ખામીઓને પણ ગંભીર નિયમભંગ માનવામાં આવશે. નિયમોમાં સસ્પેન્શન અને ડિબારમેન્ટને અલગ રાખવામાં આવ્યા છે. હવે નિયમભંગ કરનારી કંપની સામે એફઆઇઆર દાખલ થાય તો તેને હંગામી રૂપે સસ્પેન્ડ કરી નાખવામાં આવશે જ્યારે ડિબારમેન્ટ લાંબી અવધિ માટેનો પ્રતિબંધ હશે. આ ઉપરાંત ભારે આર્થિક દંડની જોગવાઈ પણ નિયમોમાં કરવામાં આવી છે. જેમાં કંપનીની બેન્ક ગેરન્ટી અને જમા રાશિ જપ્ત કરવામાં આવી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક