21મી જૂને નવેસરથી નીટની પરીક્ષા: 15 મિનિટનો સમય વધારે અપાશે, કોઈ ફી લેવામાં નહીં આવે, એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં જારી થશે
નવી
દિલ્હી, તા.1પ: દેશનાં 22 લાખ છાત્રોએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે અને તેમણે
નવેસરથી તૈયારી કરીને નીટ આપવા મગજને શ્રમ આપવો પડશે. નીટ યુજીની રી-એક્ઝામ 21મી જૂને
યોજવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ શિક્ષા મંત્રાલયે પરીક્ષા પદ્ધતિ અંગે
મોટા નિર્ણયો પણ કર્યા છે. જે મુજબ આગામી વર્ષથી નીટ હવે ઓનલાઈન લેવાશે. જ્યારે આ વર્ષે
પેપરમાં વધારાનો 1પ મિનિટનો સમય આપવામાં આવશે. છાત્રોને પરીક્ષાની ફી પરત કરવામાં આવશે
અને નવેસરથી પરીક્ષામાં કોઈ ફી લેવામાં નહીં આવે. પરીક્ષા માટે છાત્ર પોતાનું શહેર
પસંદ કરી શકશે. નવી પરીક્ષા માટેનાં એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં જારી કરી દેવાશે.
શિક્ષા
મંત્રી ધમેન્દ્ર પ્રધાને આજે પત્રકાર પરિષદ યોજીને આ વિશે જાણકારી આપતા કહ્યું હતું
કે, લાખો છાત્રોનાં હિતને ધ્યાને રાખીને નીટ પેપર કેન્સલ કરવાનો નિર્ણય કરવો પડયો હતો.
સરકાર પેપર ફૂટવા બાબતે ચિંતિ છે. છાત્રો પ્રત્યે પૂરી સંવેદના છે. પેપર લીક અને ગડબડ
કરનારા માફિયાઓ સામે તપાસ એજન્સીઓની કાર્યવાહી અને તપાસ ચાલી રહ્યાં છે.
તેમણે
આગળ કહ્યું હતું કે, નીટ નવેસરથી લેવાશે અને શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ અપનાવાશે. તમામ
પાસાઓ ધ્યાને રાખીને પેપર ફૂટવાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. સીબીઆઈ
તેનાં મૂળ સુધી જશે.
તેમણે
આગળ કહ્યું હતું કે, નીટનાં પેપરમાં થયેલી ગડબડ સામાજિક પડકાર છે. પરીક્ષા માફિયાઓ
સામે કડક તપાસ ચાલી રહી છે. બીજીબાજુ હવેથી નીટ યુજીની પરીક્ષા ઓએમઆર નહીં બલ્કે કોમ્પ્યુટર
બેઝ્ડ ટેસ્ટ(સીબીટી) એટલે કે ઓનલાઈન લેવાશે. સાઈબર ક્રાઈમ પણ પડકાર છે પણ આપણે સિસ્ટમ
ઉપર ભરોસો કરવો પડશે.
નીટ
પેપર લીકનો માસ્ટરમાઈન્ડ પકડાયો
CBI
દ્વારા પીવી કુલકર્ણીની ધરપકડ : NTA એક્ઝામ પ્રોસેસમાં હતો સામેલ
નવી
દિલ્હી, તા. 15 : નીટ-યુજી 2026 પેપર લીક કેસમાં સીબીઆઈને એક મોટી સફળતા મળી છે. સીબીઆઈએ
પેપર લીક મામલે કિંગપિન એટલે કે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જેની ઓળખ પીવી કુલકર્ણીના
રૂપમાં થઈ છે. જે કેમેસ્ટ્રી લેક્ચરર છે અને એનટીએ પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલો
હતો. સીબીઆઈ તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી પીવી કુલકર્ણી જે મુખ્ય
રીતે લાતૂરનો રહેવાસી છે અને પુણેનો લેક્ચરર છે. તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી પરીક્ષા
પ્રક્રિયામાં સામેલ હતો. જેના કારણે તેની પહોંચ સીધી પ્રશ્નપત્રો સુધી હતી. આરોપી મનીષા
વાઘમારેની પૂછપરછ બાદ સીબીઆઈ કુલકર્ણી સુધી પહોંચી હતી. લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ
કરવામાં આવી હતી.
તપાસ
એજન્સી અનુસાર એપ્રિલ 2026ના અંતિમ અઠવાડીયામાં કુલકર્ણીએ અન્ય આરોપી મનીષા વાઘમારેની
મદદથી છાત્રો એકત્રિત કર્યા હતા અને પુણે સ્થિત પોતાના ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવ્યા
હતા. મનીષા વાઘમારેની સીબીઆઈ દ્વારા 14 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ ક્લાસમાં
સવાલ અને તેના ઓપ્શન અને સાચા જવાબ છાત્રોને આપ્યા હતા. છાત્રો સવાલના જવાબ કોપીમાં
લખતા હતા. બાદમાં સામે આવ્યું હતું કે ત્રીજી મેના રોજ થયેલી પરીક્ષાના પેપર સાથે ક્લાસના
સવાલ જવાબ પુરી રીતે મેળ ખાઈ રહ્યા હતા. આ પહેલા પેપર લીક મામલે જયપુર, ગુરૂગ્રામ,
નાસિક, પુણે અને અહિલ્યાનગરથી કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે.