• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

સુરતના યુવકે અમેરિકાની યુવતીને ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું

-યુવકે યુવતી પાસેથી 60 લાખ, 18 તોલા સોનું તથા હૈદરાબાદનો ફ્લેટ પડાવી લીધો 

સુરત, તા. 19 ઃ શહેરના જી-3 શો રૂમના સેલ્સમેને અમેરિકા રહેતી મહિલાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને સાઉદી અરેબિયા બોલાવી ધર્મપરિવર્તન કરાવી અમેરિકા જવાના ઇરાદે ઓનલાઇન લગ્ન પણ કર્યા હતા. પોલીસ તપાસમાં આરોપી યુવક પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના હિંમતનગર ખાતે રહેતા પરિવાર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વેપાર કરે છે. તેની સૌથી નાની દીકરી નેહા પટેલ(નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2014માં અમદાવાદ ખાતે થયા હતા. પતિ અને નેહા અમેરિકા જતાં રહ્યાં હતાં, જ્યાં તેમને એક દીકરીનો જન્મ થયો હતો. બાદ આ બન્ને વચ્ચે અણબનાવ બનતાં તેઓ છૂટાં પડયાં હતાં.  દરમિયાન નેહાએ સુરત ઘોડદોડ ખાતે આવેલી જી-3 દુકાનમાંથી દીકરી માટે ઓનલાઇન કપડાં મગાવ્યાં હતાં. એ સમયે જી-3 દુકાનમાં નોકરી કરતો એઝાઝ પટેલ(રહે-301, અલ મક્કા એપાર્ટમેન્ટ, છડાઓલ, લોખાત હોસ્પિટલ, રામપુરા, સુરત) તેના પરિચયમાં આવ્યો હતો.

સતત મેસેજ અને કોલ કરી એઝાઝે નેહા સાથે સંબંધ વધાર્યા હતા. બાદમાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જાન્યુઆરી, 2024માં નેહા હૈદરાબાદ આવી હતી. હોટલમાં નેહાની સાથે રોકાયેલા એઝાઝે તેને ભોળવી ફલેટની ચાવી લઈ લીધી હતી. વીસ દિવસ રોકાઈ નેહા ફરી અમેરિકા જતી રહી હતી. ત્રણ મહિના બાદ એપ્રિલ 2024માં એઝાઝે નેહાને સાઉદી અરેબિયા બોલાવી હતી. સાઉદી અરેબિયામાં કોઈ સંસ્થામાં લઈ જઈ નેહાનું ધર્મપરિવર્તન કરાવી તેનું નામ ઇકરા રાખી દીધું હતું, સાથે જ તેમણે મે મહિનામાં ઓનલાઇન લગ્ન કરી લીધા હતા. લગ્નના છ મહિના બાદ એઝાઝે નેહા ઉર્ફે ઇકરા ઉપર અમેરિકા લઈ જવા દબાણ કરવા માંડયું હતું. જોકે વિઝા ન મળતાં તે અમેરિકા જઈ શક્યો ન હતો. ત્યાર બાદ એઝાઝ નેહા પાસે પૈસાની માગણી કરવા માંડયો હતો. વ્હોટ્સએપ તથા ઇ-મેઇલ કરી ધાકધમકી આપી એઝાઝે તેની પાસેથી રૂ. 60 લાખ બળબજરીથી ટ્રાન્સફર કરાવ્યા હતા અને એઝાઝને ઘરે જઈ 18 તોલા સોનાના દાગીના આપ્યા હતા. નેહાએ આ વાત ભાઈ પ્રદીપને કરવા સાથે એઝાઝ સામે પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. ફરિયાદ અંગે અમેરિકાથી નેહાએ એક મેલ કર્યો હતો, જેના આધારે ભાઈએ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક