• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ગુજરાતમાં હવે ચોમાસાએ દસ્તક દીધી, વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશી છવાઈ સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક કરા સાથે વરસાદ

અમદાવાદ, રાજકોટ, તા.15 : ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન છે. ગુજરાતના આંગણે નૈઋઍત્યના ચોમાસાએ દસ્તક આપી દીધી છે. ગુજરાતમાં ગઈકાલથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં હતાં. સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરા સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું હતું. સવારે આણંદના ખંભાતમાં હળવો વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. આ ઉપરાંત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કેટલાક વિસ્તારોમાવરસાદી માહોલ સર્જાયો હતો.

સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પંથકમાં બપોર સુધી કાળઝાળ ગરમીના ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો. ભાડવા, રાજપરા, ભાડુઈ ગામે ચાર ઈંચ વરસાદ પડી ગયો હતો. જેમાં ભાડવાથી રાજપરા જતો રસ્તો બંધ થઈ ગયો હતો. સાથે મોટા માંડવા, માણેકવાડા, બગડીયા, દેતડીયા, દેવરીયા, ચિત્રાવાવ, રામોદ ગામમાં પણ વરસાદ પડયો હતો.

અમરેલીનાં ગામડાઓમાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલીનાં લાઠી, લીલિયા, સાવરકુંડલા, આંબા કણકોટ, મોટા ગોખરવલા, નાના ગોખરવલા, લાપાળિયા સહિત ગામોમાં પવન સાથે વરસાદ પડયો હતો. દેવભૂમિ દેવળિયા અને આસપાસના ગામોમાં વરસાદનું આગમન થતા ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

જામનગરનાં વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ખંભાળિયાના નાકા, તળાવની પાર વિસ્તારમાં વરસાદ પડયો હતો. આ સાથે રણજીતપર, ખીલોસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો હતો. ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા અસહ્ય તાપ અને બફારાથી રાહત મળી છે. જિલ્લાનાં ફલ્લા ગામે બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં અડધો ઈંચ વરસાદ વરસી જતાં વાતારવણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં વરલ ગામ સહિત આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. કોબાડિયા ગામે ધોધમાર વરસાદ પડયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી માલણ નદીમાં નવા નીર આવ્યાં હતાં. મહુવા તાલુકાના કોટિયા, કળમોદર, વાવડી, રતનપર, રાળગોન, ઠળિયા સહિતનાં ગામડાઓમાં વરસાદનું આગમન થતા ખુશી પ્રસરી છે. જેસર તાલુકાનાં સનાળા, ચીરોડા, સાપરીયાળી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો.

ગારિયાધાર પંથકમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પાંચ કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો હતો. નવાગામ, ભંડારિયા, ડમરાળા, સાતપડા અને રૂપાવટી સહિતનાં ગામોમાં સિઝનનો પહેલો વરસાદ પડયો હતો. વાંકાનેરમાં આજે અનરાધાર વરસાદ પડતા જૂની મિલ કોલોનીમાં ગોઠણસમાં પાણી ભરાયાં હતાં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક