આજે
અમદાવાદમાં કેરેબિયન પાવર હિટર્સ સામે આફ્રિકી બોલિંગની ટક્કર
અમદાવાદ,
તા.2પ : ટૂર્નામેન્ટની અત્યાર સુધીની બે અપરાજિત ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા
ગુરુવારે રમાનાર સુપર-8 રાઉન્ડના મેચમાં આમને-સામને હશે ત્યારે બન્ને ટીમનું એકમાત્ર
લક્ષ્ય હશે સેમિ ફાઇનલની સીટ બૂક કરવી. આ મેચમાં જીત મેળવનાર ટીમ ટી-20 વિશ્વ કપના
સેમિ ફાઇનલ મુકાબલામાં પહોંચી જશે. સુપર-8 રાઉન્ડના આ મેચ પર ભારતની પણ ચાંપતી નજર
રહેશે. આ મેચનાં પરિણામ આધારે ભારતીય ટીમના આગળનાં સમીકરણ નક્કી થશે. દિવસના બીજા મેચમાં
ભારતનો ઝિમ્બાબ્વે સામે ચેન્નાઇમાં નિર્ણાયક મેચ છે.
આફ્રિકા
સામે જો વેસ્ટ ઇન્ડિઝને વિજય પ્રાપ્ત થશે તો ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી જશે. આથી વિન્ડિઝ
ટીમ લગભગ સેમિ ફાઇનલમાં પહોંચી જશે કારણ કે તેની નેટ રન રેટ ઘણી સારી છે. બીજી તરફ
આફ્રિકા માટે સુપર-8નો ઝિમ્બાબ્વે સામેનો મેચ નિર્ણાયક બની રહેશે. આ મેચમાં આફ્રિકાની
જીત થશે તો તે ટીમ ઇન્ડિયાને ઓવરટેક કરી સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી શકે છે.
વેસ્ટ
ઇન્ડિઝના પાવર હિટર્સની આ વખતે સાઉથ આફ્રિકાની પેસ એન્ડ સ્પિન બોલિંગનો સમાનો કરવાનો
પડકાર હશે. દ. આફ્રિકા ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ છે. તેનું બેટિંગ-બોલિંગ સંયોજન
કાગળ પર વેસ્ટ ઇન્ડિઝ ટીમથી વધુ ચડિયાતું અને મજબૂત છે. જો કે હાલ કેરેબિયન ફટકાબાજો
જોરદાર ફોર્મમાં છે. તેમના પર અંકુશ મૂકવા આફ્રિકી બોલર્સે એડી ચોટીનું જોર લગાવવું
પડશે.
ભારત
સામેની જીતથી આફ્રિકી ટીમનું મનોબળ વધ્યું છે. અમદાવાદની પીચ સુકી હોય છે અને સ્પિનર્સને
થોડો ફાયદો વધુ મળે છે. આમ છતાં અહીં બેટર્સ માટે રન કરવાનો પૂરો મોકો બની રહેશે. ટોસ
જીતનાર ટીમ વિજય લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરી શકે છે.