• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવતા મળશે પૂરું રિફંડ : કોઈ ચાર્જ નહીં

ટિકિટ બૂકિંગનાં 48 કલાકની અંદર રદ કે સુધારવામાં આવે તો એરલાઈન કોઈ પેનલ્ટી વસૂલી શકશે નહીં : નવા નિયમો જારી કરતું ડીજીસીએ

 

નવી દિલ્હી, તા.26: વિમાન યાત્રીઓને મોટી રાહત આપતાં ડીજીસીએ દ્વારા ટિકીટ રિફંડનાં નિયમમાં મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે. હવે હવાઈ મુસાફરોને 48 કલાકની અંદર કોઈપણ પ્રકારની પેનલ્ટી-દંડ વગર ટિકિટ રદ કરાવવાની સુવિધા મળશે.

ડીજીસીએ દ્વારા 24મી ફેબ્રુઆરીએ જારી કરવામાં આવેલા સુધારેલા નાગરિક ઉડ્ડયન નિયમ(સીએઆર)નો ઉદ્દેશ વિલંબિત રિફંડ માટે વધતી ફરિયાદોનાં અનુસંધાને એરલાઈન નીતિઓને વધુ પારદર્શક અને યાત્રીઓને રાહત આપવાનો છે. ડીજીસીએનું કહેવું છે કે, નવા નિયમ અંતર્ગત એરલાઈન્સને બૂકિંગ પછી 48 કલાકનો સમય આપવો પડશે. જેમાં મુસાફર કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ટિકિટ કેન્સલ કે તેમાં સુધારો કરી શકશે. જો કે કોઈ યાત્રી અન્ય કોઈ ફ્લાઈટમાં યાત્રા કરવા માગશે તો ભાડામાં જે અંતર હશે તે યથાવત લાગુ રહેશે.

આ સુવિધા સાથે કેટલીક શરતો પણ જોડાયેલી છે. ઘરેલું ઉડાનો માટે નિર્ધારિત પ્રસ્થાન તારીખથી સાત દિવસની અંદર કે આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે 1પ દિવસની ભીતર એરલાઈનની વેબસાઈટ ઉપરથી સીધી બૂક કરાવવામાં આવેલી ટિકિટોમાં આ 48 કલાકની છૂટ લાગુ થશે નહીં. 48 કલાકની સમયસીમા સમાપ્ત થયા બાદ એરલાઈનનાં સામાન્ય કેન્સલેશન કે સુધારાનાં ચાર્જ લાગુ રહેશે.

અન્ય એક મહત્ત્વનાં સુધારામાં ડીજીસીએ દ્વારા એરલાઈન્સને યાત્રીનાં નામમાં સુધારા માટે વધારાનો ચાર્જ લેવાની મનાઈ કરી દેવામાં આવી છે. જો કે આવા ખોટા બૂકિંગનાં 24 કલાકની અંદર એરલાઈનને સૂચિત કરવી પડશે અને ટિકિટ સીધી એરલાઈનની સાઈટ ઉપરથી ખરીદાયેલી હોવી જોઈએ. આ સીવાય ટ્રાવેલ એજન્ટ કે ઓનલાઈન પોર્ટલોનાં માધ્યમથી બૂક થતી ટિકિટ માટે પણ જવાબદારી સ્પષ્ટ કરી દેવામાં આવી છે. થર્ડ પાર્ટી પ્લેટફોર્મ ઉપરથી ટિકિટ બૂક થઈ હશે તો પણ રિફંડની પ્રક્રિયા માટે એરલાઈન જ જવાબદાર રહેશે.

 

રેલવેની ઞઝજ એપ

1 માર્ચથી બંધ : રેલ વન ઉપર જ મળશે બધી સુવિધા

નવી દિલ્હી, તા.26: લોકલ ટ્રેનમાં કે પછી અનરિઝર્વ્ડ ટિકીટ ઉપર યાત્રા માટે યુટીએસ ઓન મોબાઈલ એપનો ઉપયોગ કરતાં યાત્રીઓ માટે મહત્ત્વની જાણકારી છે. ભારતીય રેલવેએ કહ્યું છે કે, 1 માર્ચ 2026થી યુટીએસ એપને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. એટલે કે માર્ચ માસથી આ એપનાં માધ્યમથી ટિકિટ બૂકિંગ સહિતની સુવિધાઓ મળતી બંધ થઈ જશે.

રેલવે દ્વારા યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ હવે નવી રેલવન એપ ઉપર તબદિલ થઈ જાય. જેથી તેમની રોજિંદી સુવિધાઓમાં કોઈ વિક્ષેપ ન આવે. રેલ વન એક નવી ઓલ ઈન વન એપ છે. જેમાં ટિકીટ બૂકિંગથી લઈને અન્ય સુવિધાઓ એક જ સ્થાને ઉપલબ્ધ બને છે. આમાં સૌથી સારી બાબત એ પણ છે કે, જો કોઈ યાત્રી યુટીએસ કે આઈઆરસીટીસી એપ વાપરતા હતાં તો તેમને રેલવન એપમાં નવું એકાઉન્ટ બનાવવાની આવશ્યકતા નહીં રહે. જૂનાં યુઝરનેમ અને પાસવર્ડથી જ રેલવનમાં પણ લોગિન કરીને તમામ સવલતોનો લાભ મેળવી શકાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક