(ફૂલછાબ ન્યુઝ)
ભાવનગર,
તા. ર4: ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેક્ટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ
હતી. સ્થાનિક લોકોની માગણી અને લાગણીને ધ્યાને લઈને કરેલી રજૂઆતને પરિણામે સફળતા મળી
છે. આગામી તા.ર9 માર્ચથી ભાવનગરથી મુંબઈની ડાયરેક્ટ ફ્લાઈટ પુન: શરૂ થશે જેનું આવતીકાલ
તા.25મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે જેનો નાગરિકોને લાભ લેવા મંત્રીશ્રીએ અપીલ કરી
છે.
ભાવનગર
શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી
છે, જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુન: પ્રાપ્ત થશે. ભાવનગરને
સુચારૂ હવાઈ સુવિધા મળે તે માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ સઘન પ્રયાસો કર્યા હતા જેના પરિણામે આ
સફળતા મળી છે.
મંત્રીએ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુને રૂબરૂ રજૂઆત કરી હતી, કેન્દ્રીય રાજ્ય
મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ સાથે તથા વિવિધ એરલાઈન્સ સાથે તબક્કાવાર
બેઠકો યોજી હતી.
કેન્દ્ર
સરકારના સકારાત્મક વલણ અને દિશા-નિર્દેશોને પગલે ઇન્ડિગો એર લાઈન્સ દ્વારા 29 માર્ચ
2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઈટ (એટીઆર વિમાન) શરૂ કરવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે, જેના માટે રપ ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. ભાવનગરથી
નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે ઉપડશે.