વીજ જોડાણ કપાય તે પહેલા જ 25104 ગ્રાહકોએ 20.14 કરોડ રૂપિયા જમા કરાવી આપ્યા
ડીસ-કનેક્શનની કામગીરીમાં કુલ
રૂ. 86 કરોડ 94 લાખ જેટલી રકમની વસુલાત : 10 કરોડ 37 લાખ રૂપિયા ઓનલાઇન જમા થયા
રાજકોટ, તા. ર6 (ફૂલછાબ ન્યુઝ)
સૌરાષ્ટ્ર-કચ્છમા ગઈકાલ તારીખ
રપમીએ પીજીવીસીએલ દ્વારા અભૂતપૂર્વ ડીસ કનેક્શન ડ્રાઈવ યોજી હતી. જેના અંતર્ગત 28 લાખ
જેટલા વીજ ગ્રાહકો પાસેથી કેટલાક મહિનાના બાકી 650 કરોડથી વધુના વીજ બિલની વસુલાત માટે
2951 ટીમ ઉતરી પડી હતી. આ કામગીરીમાં એક જ દિવસમાં અભૂતપૂર્વ 30857 વીજ જોડાણ કાપવામાં
આવ્યા હતા.
વીજ વર્તુળમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સૌરાષ્ટ્ર
કચ્છમાં ડીસ-કનેક્શનની કામગીરી દમ્યાન કુલ રૂ. 86 કરોડ 94 લાખ જેટલી રકમ વસુલ કરવામાં
આવી હતી. જેમાં પીજીવીસીએલના કાર્યક્ષેત્ર એવા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મળીં કુલ
2951 ટીમોએ ફિલ્ડમાં રહીને બાકી વીજ બીલો વાળા કનેક્શનની ડીસ-કનેક્શનની કામગીરીમાં
ભાગ લીધો હતો. આ કામગીરીમાં કુલ 78,635 જેટલા ડીફોલ્ટર ગ્રાહકો, કે જેમની બાકી રકમ
રૂ. 78 કરોડ હતી તેના વીજ જોડાણો કાપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રાઈવ
દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 30,857 કનેક્શન, જેમની બાકી રકમ 22 કરોડ 48 લાખની થાય
છે તેમના કનેક્શન ડીસ-કનેક્ટ કરવામાં આવ્યા હતા. તેમજ વીજ જોડાણ કપાય તે પહેલા જ
25,104 ગ્રાહકોએ રૂ. 20 કરોડ 14 લાખ જમા કરાવી આપ્યા હતા.
કનેક્શન કપાઈ ગયેલ હોય તેવા ગ્રાહકોમાંથી કુલ 18,950
ગ્રાહકોએ ગઈકાલે જ કનેક્શન રી-ક્નેકટ કરવાની પ્રકિયા કરી રૂ. 29 લાખ નો ચાર્જ ભરપાઈ
કર્યો હતો. તા. 25.02.2026 ના રોજ લો ટેન્શન કેટેગરી ના ગ્રાહકો પાસેથી 59 કરોડ 68
લાખ રૂ. જેટલું કલેક્શન આવ્યું હતું. જેમાંથી અંદાજીત 10 કરોડ 37 લાખ જેટલી રકમ ઓનલાઇન
આવી હતી.
રાજકોટ સિટી સર્કલમાં સૌથી વધુ 930.98 લાખ રૂપિયાની વસુલાત
વસૂલાતના આંકડાઓ પર નજર કરીએ તો, રાજકોટ સિટી સર્કલમાં
સૌથી વધુ રૂ. 930.98 લાખ અને જામનગર સર્કલમાં રૂ. 704.82 લાખની વસૂલાત થઈ છે. આ ઉપરાંત,
અનેક ગ્રાહકોએ વીજ જોડાણ કપાય તે પહેલાં જ પેમેન્ટ કરી દીધું હતું, જેની રકમ આશરે રૂ.
2014.20 લાખ જેટલી થાય છે. સુરેન્દ્રનગર સર્કલમાં પણ નોંધપાત્ર કામગીરી જોવા મળી હતી,
જ્યાં 1031 જોડાણો કાપવામાં આવ્યા હતા અને કુલ રૂ. 450.80 લાખની વસૂલાત કરવામાં આવી
હતી.
રિકનેક્શન ચાર્જ પેટે વીજ તંત્રને
29.74 લાખની આવક
અમરેલી સર્કલમાં નગરપાલિકા દ્વારા
સૌથી વધુ રૂ. 2656.00 લાખની ચુકવણી કરવામાં આવી હતી, જૂનાગઢ, મોરબી અને પોરબંદર જેવા
અન્ય વિસ્તારોમાં પણ હજારોની સંખ્યામાં જોડાણો કટ કરાયા હતા. આ ડ્રાઈવ દરમિયાન 18,950
જોડાણો માટે રિકનેક્શન ચાર્જ પેટે પણ રૂ. 29.74 લાખની આવક થઈ હતી.