અરબી
સમુદ્રમાં 35મી વીર સાવરકર તરણ સ્પર્ધા યોજાઈ
4 રાજ્યના
25 તરવૈયાએ ભાગ લીધો : સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, ટ્રોફી, પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત
કરાયા
વેરાવળ,
તા.25 : અરબી સમુદ્રમાં આદ્રી બીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓની સમુદ્ર
તરણ સ્પર્ધા યોજાઈ હતી. આજે વહેલી સવારે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન
મૂછારે આદ્રી બીચ ખાતેથી બહેનોની સ્પર્ધાનો અને ચોરવાડ બીચ ખાતેથી અધિકારીઓની ઉપસ્થિતિમાં
ભાઈઓની તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના
18 ભાઈ અને 7 બહેન એમ કુલ 25 સ્પર્ધકે ભાગ લીધો છે. આ સ્પર્ધામાં દરેક સ્પર્ધક સાથે
એક નાની હોડી પણ હોય છે. જેમાં લાઈફ સેવિયર, મેનેજર સાથે જ સ્પર્ધાને અનુરૂપ કિટ આપવામાં
આવે છે. આ વીર સાવરકર તરણ સ્પર્ધામાં ભાઈઓમાં પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્યએ
અને બહેનોમાં સુરતની તાશા મોદીએ દરિયા સામે બાથ ભીડી સાહસનો પરિચય આપીને સ્પર્ધા જીતી
હતી.
આ સ્પર્ધાની
એવોર્ડ સેરેમની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. જેમાં ભાઈઓ માટે ચોરવાડથી
વેરાવળ (21 નોટિકલ માઈલ) સુધી યોજાયેલી સ્પર્ધામાં 5 કલાક 30 મિનિટ અને 07 સેકન્ડમાં
પૂરી કરી પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્યએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે ગુજરાતના
યુગ સેલરે 5 કલાક 46 મિનિટ 40 સેકંડમાં સ્પર્ધા પૂરી કરી બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો
અને ગુજરાતના ધ્રુવ ટાંકે 5 કલાક 54 મિનિટ અને 48 સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો
ક્રમાંક મેળવ્યો હતો.
જયારે
બહેનો માટે આદ્રીથી વેરાવળ (16 નોટિકલ માઈલ) સુધી યોજાયેલી સ્પર્ધામાં સુરતની તાશા
મોદીએ 4 કલાક 10 મિનિટ અને 55 સેકંડમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
મહારાષ્ટ્રની અનુજા ઉગ્લેએ 4 કલાક 26 મિનિટ અને 42 સેકંડમાં સ્પર્ધા પૂરી કરી બીજો
ક્રમાંક અને કર્ણાટકની પી.વેનયશ્રીએ 4 કલાક 35 મિનિટ અને 12 સેકંડમાં સ્પર્ધા પૂરી
કરી ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. જેમાં પ્રથમ ક્રમાંકને રૂ.1.25 લાખ, દ્વિતીય ક્રમાંકને
રૂ.75 હજાર અને તૃતિય ક્રમાંકને રૂ.51 હજારના પુરસ્કાર સહિત ટ્રોફી એનાયત કરવામાં આવ્યાં
હતાં.
આ ઉપરાંત
મોટા હરી ઓમ આશ્રમ તરફથી પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાને 75,000, દ્વિતીય વિજેતાને 40,000 અને ત્રીજા વિજેતાને
26,000ની પુરસ્કૃત રાશિ તેમજ સમયમર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરનાર 4થી 10 ક્રમાંકના સ્પર્ધકોને
9, 999ના પ્રોત્સાહક પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ સેરેમનીમાં સ્પર્ધકો ઉપરાંત
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.