રાજકોટ, તા.26(ફૂલછાબ ન્યૂઝ): મગફળીનું મબલક ઉત્પાદન છતા સીંગતેલમાં ભડકો થઈ જતા ભાવ ત્રણ વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. મગફળીનો મોટો જથ્થો સરકારના ગોદામોમાં ભરેલો હોવાથી બજારમાં કાચા માલની કૃત્રિમ અછત ઉભી થઈ હતી. જોકે સરકાર વેચવા આવે એટલે સીંગતેલના ભાવમાં તેજીનો પરપોટો ફુટી જશે તેવી પ્રબળ ધારણા સાચી ઠરી છે. સરકારી મગફળી બજારમાં આવવા લાગતા સીંગતેલમાં તેજીનો ખેલ ખતમ થઈ ગયો છે. એક સંસ્થા દ્વારા વેચાણ ચાલુ છે ત્યારે નાફેડની મગફળી વેચવાની જાહેરાતથી જ સીંગતેલમાં એક ઝાટકે રૂ.50નો કડાકો બોલી જતા રાહત મળી છે.
છેલ્લા ત્રણ વર્ષથી સૌરાષ્ટ્રમાં
મગફળીનું બમ્પર ઉત્પાદન થતા ભાવ મધ્યમ વર્ગને પોષાય તેવા રહેતા સીંગતેલ ખાનારો વર્ગ
વધ્યો હતો. મગફળીનું 45 લાખ ટન જેટલુ બમ્પર ઉત્પાદન નોંધાતા સીંગતેલના ભાવ કાબૂમાં
રહેશે તેમ માનવામાં આવતું હતું. જોકે દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને પગલે મગફળીના
પાકને ખાસ મોટી નુકશાની ન હોવા છતા સટ્ટાખોરોએ બગાડની અફવા ફેલાવી સીંગતેલના ભાવમાં
તેજી શરૂ કરી હતી.
સીઝનની શરૂઆતમાં રૂ.2300-2350માં
મળતો ડબો બારમાસી ઘરાકી પૂર્ણ થવા આવતા સુધીમાં રૂ. 550-600 ઉંચકાઈ જતા રૂ. 2880-2930
સુધી પહોંચી જતા મધ્યમ વર્ગને નાછૂટકે અન્ય તેલ તરફ વળવાનો વારો આવ્યો હતો. જેમાં હવે
ઘટાડો શરૂ થયો છે.
બીજી તરફ ચાલુ વર્ષે સરકારે ટેકાના
ભાવે મગફળીની અત્યાર સુધીની સૌથી મોટી 18 લાખ ટનની ખરીદી કરી છે. જે જથ્થો સરકારી ગોડાઉનમાં
જતો રહેતા અને બાકી રહેતી મગફળી ખેડૂતોને ખૂલ્લા બજારમાં વેચી નાંખતા છેલ્લા એક મહિનાથી
બજારમાં મગફળીની કૃત્રિમ અછત સર્જાઈ હતી. સરકારી ખરીદી પૂર્ણ થયા બાદ સીંગતેલમાં તેજીનો
ખેલ શરૂ થયો હતો. જોકે સરકાર વેચવા આવે એટલે ભાવ નીચા આવશે તે નક્કી હતું. તે મુજબ
એનસીસીએફ દ્વારા ચાર દિવસથી મગફળીનું વેચાણ શરૂ કર્યુ છે. અને નાફેડ દ્વારા પણ તા.4
માર્ચથી મગફળીના વેચાણની જાહેરાત કરતા સીંગતેલના ભાવ દબાણ હેઠળ આવ્યા છે. બજારમાં હવે
કાચો માલ છૂટથી મળશે તેમ લાગતા સીંગતેલમાં એક દિવસમાં જ ડબે રૂ.50નો ઘટાડો થયો છે.
આગામી દિવસોમાં સરકારી મગફળીની આવક વધતા બજારમાં પૂરવઠો વધુ સરળ બનતા ભાવ હજુ તૂટશે
તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.
મગફળીના ભાવમાં પણ છેલ્લા ચાર
દિવસમાં રૂ.40-50 ઘટી ગયા છે. માર્કેટ યાર્ડોમાં મગફળીની આવક તળિયે પહોંચી જતા માંડ
12-15 હજાર ગુણીનો પૂરવઠો આવી રહ્યો છે. જેમાં ભાવ રૂ. 950-1500 ચાલી રહ્યો છે. સીંગદાણા
બજારમાં પણ મંદીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.