મધરાત્રે પરિવાર ઊંઘી રહ્યો હતો ત્યારે બે માળના મકાનમાં આગ લાગી, પત્ની-પુત્રી અને માતાનો બચાવ
(ફૂલછાબ
ન્યુઝ)
અમદાવાદ,
તા.24: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી
એક સોસાયટીમાં ગત મોડીરાત્રે આગનો બનાવ બન્યો હતો જેમાં પિતા અને પુત્ર ગંભીર રીતે
દાઝી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ રાત્રે 3.30 કલાકે બન્યો હતો. નીચેના માળે
આગ લાગ્યા બાદ તે ઉપરના માળ સુધી પ્રસરી હતી. આ બનાવમાં ઘરની અંદર રહેલા અન્ય ત્રણ
સભ્યનો બચાવ થયો હતો.
અમદાવાદ વેજલપુરના બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગરી
રો-હાઉસના એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા અને પુત્રનાં
મોત થયા છે જ્યારે ત્રણ લોકો બહાર નિકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે. શોર્ટ સર્કિટના
કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. કૃષ્ણનગરી રો-હાઉસના મકાન નંબર 4માં ગોહિલ પરિવાર રહે છે. મધરાત્રે ઘરના
તમામ સભ્યો ગાઢ ઊંઘમાં હતા ત્યારે એકાએક ધૂમાડો નીકળવા લાગ્યો હતો અને ગૂંગળામણ થતા
મિત્તલબેન ગોહિલ જાગી ગયા હતા. તેમણે પતિ ધ્રુવ ગોહિલને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો
પરંતુ તેઓ ઉઠયા નહતા. રાત્રીના અંધકારમાં વધુ કંઈ દેખાતું નહતું. જોતજોતામાં ઘરમાં
આગ વિકરાળ બની હતી અને ઉપરના માળ સુધી પ્રસરી હતી. મિત્તલબેન તેમના સાસુ અને પુત્રી
હેમખેમ ઉપરના રૂમની ગેલેરીમાંથી બાજુના ઘરમાં ઉતર્યા હતા.
થોડીવાર
બાદ ફાયરની ટીમ તથા બે ગાડીઓ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા
પ્રયાસ કર્યો હતો. ફાયરના જવાનોએ ઘરની અંદર રહેલા ધ્રુવ ગોહિલ (ઉં. 39) અને પુત્ર શાશ્વત
(ઉ.9)ને દાઝી ગયેલી તથા બેભાન અવસ્થામાં બહાર કાઢી એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડયા
હતા જ્યાં તેમનું મોત થયું હતું. મિત્તલબેન દાઝી જતા તેમને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર
માટે લઈ જવાયા હતા.
આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહતું.
ફાયર અધિકારીના જણાવ્યા મુજબ તેમની ટીમ તથા પોલીસ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી
રહી છે. તેમનો રિપોર્ટ આવ્યા બાદ આગ લાગવા પાછળના મૂળ કારણની જાણ થશે.