• શનિવાર, 18 મે, 2024

T-20 વિશ્વકપમાં 14 વર્ષથી દુષ્કાળ યથાવત્

રોહિત અને કોહલી પાસે ઈતિહાસ રચવાની તક : 2010 બાદ ભારતીય ખેલાડી તરફથી T-20 વિશ્વકપમાં સદીનો પણ અભાવ

નવી દિલ્હી, તા. 4 : આઇસીસી મેન્સ ટી20 વિશ્વકપ 2024ની શરૂઆતમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય વિત્યો છે. આગામી ટી20 વિશ્વકપ 1 જૂનથી લઈને 29 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં રમાવાનો છે. ટી20 વિશ્વકપ 2024માં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે જ્યારે હાર્દિક પંડયા ઉપર વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી છે. આ ટી20 વિશ્વકપથી ભારતીય ચાહકોની આશા ખૂબ વધારે છે. હકીકતમાં ભારતીય ટીમે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી બાદથી હજી સુધી કોઈ આઇસીસી ખિતાબ જીતી શકી નથી.

સાથે જ 2007 બાદથી ટી20 વિશ્વકપ જીત્યો નથી. હવે આગામી ટૂર્નામેન્ટ મારફતે દુષ્કળને સમાપ્ત કરવાની સોનેરી તક છે. 2023માં ભારતને આઇસીસી ખિતાબ જીતવાની બે તક મળી હતી. જો કે બન્ને વખત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારનો સામનો કરવો પડયો હતો.

ભારતીય ટીમના ખેલાડીઓ આગામી ટી20 વિશ્વકપ મારફતે વધુ એક દુષ્કાળ ખતમ કરવા માગશે. આ દુષ્કાળ ટી20 વિશ્વકપમાં સદીનો છે. હકીકતમાં ટી20 વિશ્વકપમાં વર્ષોથી ભારતીય ટીમ તરફથી કોઈ સદી લાગી નથી. ટી20 વિશ્વકપમાં ભારત તરફથી એકમાત્ર સદી સુરેશ રૈનાએ કરી છે. રૈનાએ 2010મા વેસ્ટ ઇન્ડિઝમાં થયેલા ટી20 વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા સામે સદીની ઇનિંગ રમી હતી.

બીજી મે 2010ના રમાયેલા મેચમાં રૈનાએ 60 બોલમાં 101 રન કર્યા હતા. જેમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ છે. ત્યારબાદથી ભારતીય ચાહકોને સદીની રાહ છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ જેવા ધુરંધરો છે. જે ટી20 વિશ્વકપમાં સદીની ઇનિંગ રમવાની પૂરી તાકાત રાખે છે. આમ જોવામા આવે તો ટી20 વિશ્વકપના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 11 સદી થઈ છે. જેમાં ઇંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધારે બે બે સદી થઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક