• રવિવાર, 19 મે, 2024

ઉનાળુ મગફળીનું 99 હજાર ટન અને તલનું 1.23 લાખ ટન ઉત્પાદન થશે

આઇઓપીઇપીસીની ટ્રેડ મિટમાં રાજકોટ ખાતે મુકાયો અંદાજ : પાણીની તંગી અને હેક્ટરદીઠ ઉતારાની વ્યાપક સમસ્યા

રાજકોટ, તા.4(ફૂલછાબ ન્યૂઝ) : વાવેતરમાં વધારો થવા છતાં ગુજરાતમાં ઉનાળુ મગફળીના ઉત્પાદનમાં વૃદ્ધિ થવાની શક્યતા નથી એવો અંદાજ ઇન્ડિયન ઓઇલ સીડ્ઝ એન્ડ પ્રોડયુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ટ્રેડ મિટમાં રાજકોટ ખાતે મૂકવામાં આવ્યો હતો. રાજકોટમાં યોજાયેલી ટ્રેડ મિટમાં તલના પાકની ધારણા પણ મુકાતા 12 ટકાનો ઘટાડો જોવા મળશે તેવી જાહેરાત થઈ છે.

આઇઓપીઇપીસીના પ્રમુખ ઋતુપર્ણા ડોલેએ કહ્યું કે, સંસ્થા દ્વારા ઉનાળુ મગફળી અને તલના પાક માટે દર વર્ષે ટ્રેડ મિટ રાજકોટમાં યોજવામાં આવે છે. ગુજરાતમાં તલ અને મગફળીના વિસ્તારોમાં સર્વે માટે ટુકડીઓ મોકલીને વાવેતર તથા પાકનો તાગ મેળવવામાં આવે છે. શનિવારે ટ્રેડ મિટમાં મગફળીનો પાક પાછલા વર્ષના 1,01,349 ટન સામે 99,001 ટન રહેશે તેવો અંદાજ વ્યક્ત થયો છે. જ્યારે તલના પાકનો અંદાજ પાછલા વર્ષમાં 1,40,318 ટન હતો તેની સામે 1,23,487 ટન રહેશે.

ગુજરાતમાં ઉનાળુ મગફળીનું વાવેતર 60 હજાર હેક્ટરમાં હતુ. પાછલા વર્ષથી 7 હજાર હેક્ટરનો વધારો થયો હતો. આમ છતાં ઉત્પાદન 99 હજાર ટન સુધી સિમિત રહેશે. સૌથી વધારે આવક બનાસકાંઠા પંથકથી થશે કારણ કે ત્યાં 45 હજાર ટન પાક થવાની ધારણા છે. ભાવનગર પંથકમાં 14 હજાર ટન ઉત્પાદન થશે જ્યારે કચ્છમાં 8 હજાર ટન પાક ઉત્પાદન રહેશે. જોકે સૌથી વધારે ઉતારો કચ્છમાં હેક્ટર દીઠ 1888 કિલો રહેશે.

ડીએસએન એગ્રી બ્રોકર્સના નીરજ અઢિયાએ કહ્યું કે, વાવેતર સારું હતું પણ પાણીની તંગી ઘણા વિસ્તારોમાં પહેલેથી હતી. એવામાં આકરાં તાપ પડવાને લીધે ઉતારા પર અસર પડી છે એટલે પાક વાવેતરની તુલનાએ ઓછો આવશે.

તલના ઉત્પાદન અંગે સંસ્થાએ 1,23,487 ટનનો અંદાજ વ્યક્ત કર્યો છે. જે 2023માં 1,40,318 ટન હતો.  તલનું વાવેતર 8 ટકા ઓછું થયું હતું. તલને બદલે મગ અને અડદ જેવા પાક ખેડૂતોએ જૂનાગઢમાં, ઘાસચારા પાકો સુરેન્દ્રનગરમાં અને  બાજરીનો પાક અમરેલીના  વિસ્તારોમાં લેતા તલને અસર થઈ હતી. જોકે બાદમાં પાણીની ખેંચ અને ઉતારા ઓછાં આવવાને લીધે ઉત્પાદન પર અસર પડી છે. અમરેલી પંથકમાં હેક્ટરદીઠ માત્ર 857 કિલોનો ઉતારો મળ્યો છે. એની તુલનાએ સુરેન્દ્રનગરમાં ઉચ્ચતમ 1211 કિલોનો ઉતારો મળી શક્યો છે. તલની સૌથી વધારે આવક જૂનાગઢ પંથકમાંથી થઈ શકે છે. જોકે સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં પણ કુલ મળીને 35,803 ટનનું ઉત્પાદન થઈ શકે છે.

સંસ્થાના અંદાજ ઉપરાંત વેપારીઓએ ખાનગી રીતે બન્ને પાકના અંદાજો વ્યક્ત કર્યા છે. એ પ્રમાણે તલનું ઉત્પાદન 1.15 લાખ ટન અને મગફળીનું ઉત્પાદન 1થી 1.15 લાખ ટન રહેવાની ધારણા છે. નવી આવકનો સમય પાકી ગયો છે. તલની આવક આઠ દસ દિવસમાં દેખાવાની શરૂ થશે જ્યારે નવી મગફળીની આવક તળાજા પંથકમાં શરૂ થઇ ચૂકી છે. હવે દસેક દિવસમાં અલગ અલગ યાર્ડમાં આવક દેખાશે. ચાલુ વર્ષે મગફળીના ભાવમાં મોટી વધઘટ થવાની શક્યતા નથી. નવા દાણામાં ટીજે 50-60 કાઉન્ટના રૂ. 97,000-1,02,000 વચ્ચેના ભાવ ટનદીઠ રહેવાની ધારણા છે.

ઇ-પેપરના નવા શુલ્ક