• શનિવાર, 18 મે, 2024

ઉનાળુ તલનો પાક ગુજરાતમાં 18 ટકા ઘટીને 1.15 લાખ ટન થવાનો અંદાજ

પાણીની ખેંચ અને વરિયાળીવાળા વિસ્તારોમાં નબળા ઉતારાની ફરિયાદ : ભારતીય તલ વિશ્વમાં સસ્તાં, ધૂમ નિકાસ થશે

ક્ષ નિલય ઉપાધ્યાય

રાજકોટ, તા.3: ધગધગતા તાપ વચ્ચે ખેતરોમાં હવે ઉનાળુ પાકની લણણીની તૈયારીઓ ચાલી રહી છે. નવી મગફળી તળાજા અને મહુવા પંથકમાં ધીરે ધીરે નીકળવા માંડી છે. હવે તલનો સમય પાકતો જાય છે. ગુજરાતમાં તલનો વિસ્તાર 7 ટકા જેટલો કપાય જતા ઉત્પાદનમાં આશરે 18 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. તલના અગ્રણી નિકાસકારો અને બ્રોકરોના મતે વાવેતર ઓછું હતુ પણ કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી ઉતારા ઘટયા છે અને વરિયાળી હતી તે જમીનમાં તલ વવાતા ધારણા પ્રમાણે ઉત્પાદન મળી શક્યું નથી. જોકે ચાલુ વર્ષે ભારતીય તલ વિશ્વભરમાં સસ્તાં છે એટલે માગ ખૂબ રહેવાની ધારણા છે. ઉનાળુ તલના પાક અંગે પ્રારંભિક તબક્કે 1.10થી 1.15 લાખ ટનનો અંદાજ નિષ્ણાતો દ્વારા મૂકવામાં આવ્યો છે. જે પાછલા વર્ષના 1.40 લાખ ટન કરતા આશરે 18 ટકા જેટલો ઓછો છે.

ડીએસએન એગ્રી બ્રોકર્સના ચિરાગ અઢિયા કહે છેકે, ગુજરાતમાં ઉનાળુ તલનું વાવેતર 1.23 લાખ હેક્ટર પાછલા વર્ષમાં હતુ તેની સામે 1.15 લાખ હેક્ટર થઇ શક્યું હતુ. વાવેતર વિસ્તાર 9 હજાર હેક્ટર ઓછો રહ્યો. એવામાં પાણીની સમસ્યા અને ખાસ કરીને વરિયાળીના વિસ્તારોમાં તલની રોપણી થઇ ત્યાં ઉતારાની સમસ્યા નડી છે. આ વર્ષે વરિયાળીનું બમ્પર વાવેતર હતુ એટલે ખાસ્સી જમીનો વરિયાળીમાં વપરાઇ હતી.આમ ઓછાં વાવેતર તથા નબળા ઉતારા પાક પર પ્રભાવ પાડશે. અલબત્ત ઓછાં પાકની અસર તલના ભાવ પર પડે તેમ નથી.

તેમણે ઉમેર્યું કે, તલના ભાવ નીચાં છે અને નવો પાક આવતા થોડાં ઘટાડા બાદ સ્થિર થઇ જાય એમ છે. ખરીફ તલમાં ખૂબ તેજી પછી ઘરાકી નહીં રહેતા નોંધપાત્ર મંદી થઇ ગઇ હતી. જોકે એ પછી ભારતીય બજાર નીચી છે. એક સમયે તલનો ભાવ કિલો દીઠ રૂ. 194 સુધી વધ્યા પછી રૂ. 140ના મથાળે પહોંચી ચૂક્યો છે. હવે બજાર સ્થિર છે. નવી તેજી હવે નવું ઉત્પાદન બજારમાં આવવાનું છે ત્યારે મુશ્કેલ છે.

દુનિયાની બજારમાં ભારતીય તલના ભાવ શોર્ટેક્સ ક્વોલિટીમાં એફઓબી શરતે 1700 ડોલર અને 99-1-1 ક્વોલિટી 1625 ડોલર ચાલે છે. એની તુલનાએ તાન્ઝાનિયા મિક્સ ક્વોલિટી 1670 ડોલર, વ્હાઇટ 1725 ડોલર, મોઝામ્બિક મિક્સ 1700 ડોલર, વ્હાઇટ 1750 ડોલર તથા બ્રાઝીલના તલ 1500 ડોલરમાં ઓફર થાય છે. ભારતીય તલ ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ આવે છે અને પડતર પણ છે એટલે ભારતને ફાયદો મળશે.

મે મહિનાના મધ્યમાં કોરિયામાં 12 હજાર ટન તલ સપ્લાય કરવા માટે ટેન્ડર જાહેર થવાનું છે. એનું શીપમેન્ટ જૂનમાં થશે અને આ આખું ટેન્ડર ભારતીય નિકાસકારોને મળે તેમ છે.

સ્થાનિક બજારોમાં શોર્ટેક્સ તલના ભાવ રૂ. 144 અને 99-1-1ના રૂ. 135 પ્રતિ કિલો ચાલે છે. એમાં રૂ. 2-3 જેટલો ઘટાડો થવાની શક્યતા છે. જોકે માગને આધારે બજાર ઉપર જઇ શકે. આ વર્ષે સ્ટોકિસ્ટો પણ ઝંપલાવે તેમ છે.

તલના અગ્રણી નિકાસકાર સુરેશ ચંદારાણા કહે છેકે, નવો પાક વાવેતરના પ્રમાણમાં સારો છે. 20મી મેથી નવી આવકનો વેગ વધશે. જોકે કાળા તલનું વાવેતર નહીવત થયું છે એટલે પાંચેક હજાર ટનનો જ પાક આવે તેમ છે. છતાં આખરી અંદાજ હવામાનના ફેરફારોને આધિન રહેશે. નવી સીઝન સવાથી દોઢ મહિનો ચાલશે. એ પછી નવા ખરીફ આડે ચારેક મહિના રહેશે. જોકે આ ગાળામાં મોટી ઉથલપાથલો થવાની સંભાવના નથી.

ઇ-પેપરના નવા શુલ્ક