• શનિવાર, 18 મે, 2024

‘મારા હૃદયમાં ગુજરાતનું વિશેષ સ્થાન છે’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે બહુમતિ મેળવવા જઈ રહ્યા છે ત્યારે ઈન્ડિ મોરચો સંવિધાનના નામે મોદી હટાવવા માટે નીચલી કક્ષાએ પ્રચાર કરી રહ્યા છે. તેઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે સરકારની નીતિઓ અને ભાવિ નકશા વિશે નરેન્દ્રભાઈએ અત્રે જનતાની નિર્ણાયક શક્તિમાં દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કૉંગ્રેસના નેતા જે રીતે સંપત્તિની ગણતરી કરી વહેંચણીની વાતો કરી રહ્યા છે, એ ડાબેરી વિચારધારા અંગે વડા પ્રધાને સ્પષ્ટ મત વ્યક્ત કરતા ખાતરી આપી છે કે લોકશાહી અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે...

 

કુન્દન વ્યાસ, દીપક માંકડ, જ્વલંત છાયા, આશિષ ભીન્ડે

 

ક્ષ આપ ત્રીજી વખત પ્રધાન સેવક-વડા પ્રધાન પદની જવાબદારી મેળવશો એવો વિશ્વાસ સમગ્ર દેશપ્રેમી ભારતવાસીઓને છે. ગુજરાતમાં તો 32 વર્ષથી ભાજપ સત્તા ઉપર છે, 2014માં લોકસભાની 26 બેઠકો અને લગભગ 60 ટકા વોટ મેળવ્યા હતા. 2019માં વોટ શેર વધીને 62.21 ટકા થયો. આમ ઉત્તરોત્તર વોટ શેર વધી રહ્યો છે. ગુજરાતમાં ક્લીન સ્વીપનો વિશ્વાસ છે ત્યારે વોટ શેરમાં કેટલો વધારો થવાની ધારણા છે? 

જવાબ: સૌથી પહેલા તો તમારો આભાર કે તમને પણ ભરોસો છે કે અમારી સરકારને ત્રીજી વખત  દેશની સેવા કરવાનો મોકો મળશે. મારા હૃદયમાં ગુજરાતનું વિશેષ સ્થાન છે. બે દાયકાથી ગુજરાત મારી સાથે ડગલે ને પગલે જોડાયેલું રહ્યું છે. હું હંમેશાં ગુજરાતની જનતાનો ઋણી રહીશ. તેમના અપાર સ્નેહ અને ભરોસાનું સંપૂર્ણ મૂલ્ય હું ક્યારેય ચૂકવી નહિ શકું.

વિશ્વભરમાં તમે એન્ટિ ઇન્કમ્બન્સી વિશે સાંભળતા હશો. પણ ગુજરાતમાં વાત સંપૂર્ણ રીતે અલગ છે. અહીં તમામ બાબતો સત્તાની તરફેણમાં છે. તેના લીધે જ અમારી સરકાર મજબૂતીથી આગળ વધી છે અને આ ચૂંટણીમાં, અમારું લક્ષ્ય પહેલાંથી ઘણું ઊંચું છે. અમને વિશ્વાસ છે કે બેઠકોની સંખ્યા અને મતો મેળવવા બાબતે અમે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખીશું. આ વખતે અમારો ઉદ્દેશ્ય દરેક મતદાન મથક જીતીને નવો રેકોર્ડ સ્થાપિત કરવાનો છે. 

ગુજરાતનું નામ આજે પારદર્શક વહીવટ, 24 કલાક વીજળી, વધુ સારા રસ્તાઓ, વધુ વ્યવસાયની તકો, રોકાણમાં વધારો અને ઉચ્ચ નિકાસ માટે દેશમાં પર્યાય બની ગયું છે. દરેક સામાન્ય ચૂંટણીમાં, ગુજરાતમાંથી જે પ્રચંડ સમર્થન અમને મળે છે, તે અમને અમારા લક્ષ્ય તરફ આગળ વધવા માટે અને વધુ સારાં કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે.  

ક્ષ  ચૂંટણીમાં વિકાસની નીતિ અને નિર્ધાર સામે વિધ્વંશક નકારાત્મક પ્રચાર થઈ રહ્યો છે તેનો જવાબ જનતા આપશે જ, પણ એ વિશે આપના પ્રતિભાવ જણાવશો? કૉંગ્રેસના નેતાઓ- શાહજાદાએ ડિક્શનરીમાં હોય નહીં એવા વિશેષણ આપના માટે વાપર્યા છે અને મતદારોએ તેમને યોગ્ય સજા કરી છે. નકારાત્મક પ્રચાર અને અભદ્ર ભાષા ઉપર નિયંત્રણ મૂકવા ચૂંટણી પંચે આચાર સાથે ભાષા સંહિતા પણ રાખવી જોઈએ એવું નથી લાગતું? 

જવાબ: જે પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ શહેજાદા અને વિપક્ષ કરી રહ્યા છે, તેનું કારણ એ છે કે તેઓ ખરાબ રીતે હારવાના છે. આ ભાષા તેમની હતાશા અને વ્યાકૂળતાનું પરિણામ છે. જેમ જેમ ચૂંટણી આગળ વધશે, તેમ તેમ તેમની હતાશા વધશે અને મારી સામે અપશબ્દો પણ વધશે. જ્યારે તેઓ મને અપશબ્દો આપે છે ત્યારે બે બાબતો થાય છે. તેમનું ચારિત્ર્ય અને તેમની અંદરની વાસ્તવિકતા લોકોની સામે આવી જાય છે અને મારો લોકોની સાથે કનેક્ટ વધી જાય છે. ઘણા સંપન્ન લોકોને હજુ પણ લાગે છે કે એક ગરીબ ચાવાળો કેવી રીતે વડા પ્રધાન બની શકે? તેમણે હજુ મને વડા પ્રધાન તરીકે સ્વીકાર્યો નથી. આ માનસિકતાના કારણે પણ તેઓ મને નફરત કરે છે. 

હું દ્વારકામાં દરિયાની અંદર જઇને પ્રાર્થના કરું તો પણ શહેજાદા મને ગાળો આપે છે. તમામ ગુજરાતી લોકો અને ભારતીયોના હૃદયમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે અપાર પૂજ્યભાવ છે અને દ્વારકા અમારા જીવનમાં એક પવિત્ર સ્થાન ધરાવે છે. દ્વારકામાં મારી પ્રાર્થનાનું અપમાન કોઈ પણ સાંખી નહિ લે.  

3. આપે કહ્યું છે કે, ત્રીજી ટર્મના પહેલા સો દિવસનો રોડમૅપ આપની પાસે તૈયાર છે, એમાં શું હશે એનો ચિતાર મેળવવા નાગરિકો ઉત્સુક છે?

જવાબ: પહેલા સો દિવસની વ્યૂહરચના પહેલી વખત નથી થઇ રહી. જે લોકો મોદીને જાણે છે, જેમણે મારા મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળમાં કામ જોયું છે, તેઓ જાણે છે કે હું ચૂંટણી પહેલાં જ નવી સરકારના પહેલા સો દિવસની યોજના તૈયાર રાખું છું. 

2014માં જ્યારે હું પહેલી વાર વડા પ્રધાન બન્યો ત્યારે સૌથી પહેલું કામ નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી આપવાનું હતું જેની માગ લાંબા સમયથી ગુજરાતના લોકો કરી રહ્યા હતા. 

2019માં પણ જ્યારે હું ફરી વડા પ્રધાન બન્યો ત્યારે અમે પહેલા સો દિવસમાં જ સીમાચિહ્નરૂપ નિર્ણયો કર્યા હતા. અમે આર્ટિકલ 370 હટાવી, ટ્રિપલ તલાક પર રોક લગાવી, યુએપીએ બિલથી સુરક્ષા મજબૂત કરી, બૅન્કોને મર્જ કરી અને પ્રાણીઓ માટે રસીકરણ કાર્યક્રમની પણ શરૂઆત કરી. મારા ત્રીજા ટર્મના સો દિવસમાં પણ ઘણી બધી બાબતો થશે. દસ વર્ષમાં આપણે જે જોયું છે તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું થવાનું છે. 

4. ગુજરાતે વિકાસવાદ અપનાવ્યો છે, પણ આ વખતે ક્ષત્રિય સમાજની નારાજગી છે. તેની અસર મતદારની ટકાવારી ઉપર કેટલી પડશે?  સૂર્યવંશી શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણથી મોટી ક્ષત્રિય અને સનાતન ધર્મની સેવા કઈ હોઈ શકે?

જવાબ: ગુજરાતનો ક્ષત્રિય સમાજ અને તમામ વર્ગના લોકો આજે અમારી સાથે છે. રૂપાલાજીએ ઘણી વાર ક્ષત્રિય સમાજની માફી માગી છે અને ક્ષત્રિય સમાજનું હૃદય ઘણું વિશાળ છે. ક્ષત્રિય સમાજ અને ભાજપનો સંબંધ ઘણો ગહન છે અને તે લાંબા સમયથી છે. ભારતની સંસ્કૃતિ અને વારસાને જો કોઈએ સૌથી વધારે મહત્ત્વ આપ્યું હોય તો તે ભાજપ છે. ભાજપે દેશના ગૌરવને પુન:સ્થાપિત કર્યું છે. રાષ્ટ્રપ્રેમની ભાવના અને દેશની સુરક્ષાનાં જે મૂલ્યો માટે ક્ષત્રિય સમાજ ઓળખાય છે, તેને પ્રોત્સાહિત કરવા માટે ભાજપે સતત પ્રયાસ કર્યા છે. આ તમામ કારણોથી, ભાજપ એ ક્ષત્રિય સમાજની સ્વભાવિક અને પ્રથમ પસંદ છે. 

અયોધ્યામાં રામ લલ્લાની પ્રતિષ્ઠા એ આપણા સૌ માટે એક ગૌરવમય અને લાગણીસભર ક્ષણ હતી. સમગ્ર દેશને તેણે એકજૂટ કરી દીધો અને ભારતનો આત્મા જાગૃત થઇ ગયો. 

 

500 વર્ષની રાહ બાદ ભગવાન રામ તેમના જન્મસ્થળમાં પરત આવે તે સમગ્ર દેશ માટે એક ગૌરવમય સાંસ્કૃતિક ક્ષણ હતી. ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને ક્ષત્રિય સમાજે સનાતન ધર્મની રક્ષા માટે મોટાં બલિદાનો આપ્યાં છે. 

લોકોએ જોયું છે કે આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન કૉંગ્રેસે કેવો વ્યવહાર કર્યો છે. તેમણે રામ મંદિરમાં પ્રાર્થના તો ન કરી પણ એ લોકો સાથે જોડાણ કર્યું જે લોકો સનાતન ધર્મને વાયરસ ગણે છે. તમે જોશો કે હિન્દુઓ અને આપણી સંસ્કૃતિ વિરોધી કૉંગ્રેસને આ દેશના લોકો જડબાતોડ જવાબ આપશે. 

5. આપ વડા પ્રધાન તરીકે ત્રીજી ચૂંટણી લડી રહ્યા છો. ભારતના ભવિષ્ય માટે આ ચૂંટણી કઈ રીતે મહત્ત્વની છે?

જવાબ: દરેક ચૂંટણી મારા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, પરંતુ આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે. આપણે એક નિર્ણાયક પડાવ પર છીએ જ્યાંથી આપણે વિકસિત ભારત તરફની યાત્રા માટે છલાંગ લગાવીશું. આ ચૂંટણીનો હેતુ ભવિષ્યમાં ઝડપી વિકાસનો માર્ગ મોકળો કરવાનો અને વિકસિત ભારત માટેની દિશા અને ગતિ સ્થાપિત કરવાનો છે.

હું તમને સમજાવું કે તે કેવી રીતે થશે. 2014માં આપણે વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા. એ સમયે, યુપીએ સરકારના નાણાપ્રધાને કહ્યું હતું કે વર્ષ 2043માં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. 

આજે, આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. આઇએમએફનું અનુમાન છે કે આવતા વર્ષે આપણે ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઇશું. અમારી પ્રતિબદ્ધતા છે કે ત્રીજા ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. એટલે કે કૉંગ્રેસના ટાર્ગેટ કરતાં 15 વર્ષ પહેલાં આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઇશું. 

6. કેન્દ્રમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વિદેશનીતિ પર ખૂબ સારું કામ થયું છે. દુનિયામાં ભારતના અવાજની નોંધ લેવાય છે પણ એશિયામાં આપણા પડોશી દેશો સાથેના સંબંધોમાં ખટાશ આવી છે. શ્રીલંકા, નેપાળ, માલદિવ્સનો અભિગમ બદલવા ભારતની રણનીતિ શું હોવી જોઈએ? આપણા દેશમાં સમાન નાગરિક ધારો અને વસ્તી નિયંત્રણ કાયદાના અમલ માટે આપનો દૃષ્ટિકોણ શો છે?

જવાબ: આજે, સમગ્ર વિશ્વને એ અનુભવ થઇ રહ્યો છે કે ભારતનો ઉદય વિશ્વ માટે આશાનું કિરણ છે. છેલ્લા એક દાયકામાં, ભારત વિશ્વબંધુ તરીકે ઉભર્યું છે. વિશ્વના અલગ-અલગ દેશો સાથે સંબંધો સુધારવા માટે અમે ઘણાં વિશિષ્ટ પગલાં ભર્યાં છે. જ્યારે આપણા પાડોશી દેશોની વાત આવે છે ત્યારે અમે એક ડગલું આગળ ગયા છીએ. કટોકટીના સમયે, આપણે સૌથી પહેલા પ્રતિસાદ આપીએ છીએ. કોવિડ 19 મહામારીના સમયમાં, ભારતે પાડોશી દેશોને પીપીઇ કિટ, માસ્ક, દવાઓ અને જરૂરી સામગ્રી માટેની મદદ કરી હતી. જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો ત્યારે સૌથી પહેલા ભારતે તેમને જરૂરી દવાઓ, રાહત સામગ્રી અને અન્ય સહાયતા પૂરી પાડી હતી. શ્રીલંકામાં જ્યારે ઘાતકી આતંકવાદી હુમલો થયો, ત્યારે હું પહેલો વિદેશી નેતા હતો જેણે તે દેશની મુલાકાત લીધી હતી. 

એટલું જ નહિ, ટેક્નૉલૉજી અને સ્પેસ સેક્ટરમાં ભારત જે પ્રગતિ કરી રહ્યું છે તે અમે પાડોશી દેશો સાથે શેર કરી રહ્યા છીએ. ભારતનું યુપીઆઈ હવે નેપાળ, ભૂતાન, શ્રીલંકા, મોરેશિયસમાં કાર્યરત છે. ભારતના ઉદયથી તેમને કોઈ જોખમની નહિ પરંતુ વધુ સુરક્ષાનો અનુભવ થઇ રહ્યો છે.

અમે રાષ્ટ્રોને તેમની ક્ષમતાઓ વિકસિત કરવામાં મદદ કરીએ છીએ, તેમને નિર્ભર બનાવતા નથી.  અમે દેશોને તેમની આકાંક્ષાઓ અનુસાર વિકાસ કરવામાં મદદ કરીએ છીએ, તેમના પર કંઇ લાદતા નથી. અમે દેશોને પૂરતું સમર્થન આપીએ છીએ, તેમને દેવાંના ચક્રમાં ફસાવતા નથી, વિશ્વ આ બાબતોની પ્રશંસા કરે છે. પાડોશી દેશો સહિત મોટા ભાગના દેશો સાથેના આપણા સંબંધો પહેલાં કરતાં ઘણા મજબૂત છે. કેટલાક દેશોમાં, તેમની આંતરિક રાજનીતિ તેમની વિદેશ નીતિની પસંદગીઓને અસર કરે છે. પરંતુ ભારતે તેમની સાથે જોડાણ અને મદદ કરવાનું ચાલુ રાખ્યું છે.

7. આપણા દેશમાં યુનિફૉર્મ સિવિલ કોડના અમલ માટે તમારું વિઝન શું છે?

જવાબ: યુનિફૉર્મ સિવિલ કોડ (યુસીસી) માટેની જોગવાઈ આપણા બંધારણનો એક ભાગ છે અને સુપ્રીમ કોર્ટે પણ તેના અમલ માટે આદેશ કર્યો છે. તે વ્યક્તિગત કાયદાઓમાં પ્રચલિત ભેદભાવપૂર્ણ પ્રથાઓને દૂર કરશે અને લિંગ સમાનતા સ્થાપિત કરશે. તે વિવિધ સાંસ્કૃતિક, પ્રાદેશિક અને ધાર્મિક પ્રથાઓ વચ્ચે  સુમેળ સાધવામાં મદદરૂપ બનશે અને સામાજિક એકતા અને રાષ્ટ્રીય એકીકરણને પ્રોત્સાહન આપશે.

અમે સંકલ્પ પત્રમાં યુસીસી લાવવાનું વચન આપ્યું છે. તમામ અન્ય વાયદાઓની જેમ આ વાયદો પણ પૂર્ણ કરવામાં આવશે. ઉત્તરાખંડમાં ભાજપ સરકાર પહેલાથી જ યુસીસી લાગુ કરી ચૂકી છે. લોકોએ તેને બહોળું સમર્થન આપ્યું છે એટલે વિપક્ષ તેનો વિરોધ કરી શક્યો નથી. મને આશા છે કે વિપક્ષ આમાંથી શીખશે અને યુસીસીને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે ત્યારે તેનો વિરોધ નહિ કરે.

8. કૉંગ્રેસની એક્સ-રે અને સંપત્તિ પુન:વિતરણની યોજનાથી તમને શું વાંધો છે?

જવાબ: કૉંગ્રેસ જે એક્સ-રે કરવાની યોજના બનાવી રહી છે તે બીજુ કંઇ નહિ પણ ઘરે ઘરે છાપા મારવાની યોજના છે. તેઓ દરેક ઘરે છાપો મારીને જોશે કે ત્યાં કેટલા પૈસા છે.  તેઓ દરેક ખેડૂતોના ઘરે છાપા મારીને જોશે કે તેમની પાસે કેટલી જમીન છે. મહિલાઓના કબાટમાં છાપા મારીને જોશે કે તેમની પાસે કેટલાં ઘરેણાં છે. આ બધી સંપત્તિને તેઓ તેમની પસંદગીની વોટ બૅન્કને આપી દેશે. તેઓ આપણા ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગના લોકોએ દાયકાઓથી મહેનત કરીને જે સંપત્તિ ભેગી કરી છે, તેને લૂંટી લેશે. સમગ્ર જીવનમાં તેમણે જે સાચવીને રાખ્યું છે તેને તેઓ લૂંટી લેશે. આ  માઓવાદી વિચારધારાનું સ્પષ્ટ ઉદાહરણ છે. કૉંગ્રેસ પાર્ટી અને તેના યુવરાજ આ માઓવાદી વિઝનને આગળ વધારી રહ્યા છે, તે જોઇને મને દુ:ખ થાય છે. આ દેશ માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક