• શનિવાર, 18 મે, 2024

પ.બંગાળના રાજ્યપાલ સામે જાતીય સતામણીની ફરિયાદ

મહિલાની પોલીસમાં ફરિયાદ : રાજ્યપાલે આરોપ નકાર્યા, તૃણમૂલ કોંગ્રેસના પ્રહારો

કોલકાતા, તા. 3 : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર રાજભવનની એક મહિલા કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિત ફરિયાદ આપતાં ખળભળાટ મચ્યો હતો. રાજ્યપાલે મહિલાના આરોપો નકાર્યા હતા.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તે 24 માર્ચે રાજ્યપાલ પાસે કાયમી નોકરીની વિનંતી સાથે ગઈ હતી, તે સમયે રાજ્યપાલે ગેરવર્તણૂક કરી હતી. જ્યારે ગઈકાલે ફરીથી આવું

જ થતાં તે ફરિયાદ લઈને રાજભવનની બહાર તૈનાત પોલીસ અધિકારી પાસે ગઈ હતી.

દરમ્યાન, રાજ્યપાલે મહિલાના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. મારા પર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે.

સત્યનો વિજય થશે. તેમણે વધુમાં કહ્યું કે, હું ઘડી કાઢેલી વાતોથી ડરતો નથી. જો કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો મેળવવા માંગતું હોય તો ભગવાન ભલું કરે. હું ભ્રષ્ટાચાર અને હિંસા સામેની લડાઈને રોકી શકતો નથી.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે મહિલાના આરોપોને લઈને એક વીડિયો નિવેદનમાં કહ્યું કે બંગાળના ગવર્નર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતા છે, ત્યારે આ ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. મોદીજી રાજભવનમાં જ રોકાશે. શું મોદીજી રાજ્યપાલ પાસે સ્પષ્ટતા માંગશે?

બીજીતરફ, રાજ્યપાલ પર લાગેલા આરોપો અંગે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, એ જોવાનું રહેશે કે આરોપો સાચા છે કે પછી કોઈ ષડયંત્ર છે.  આરોપ સાચા પુરવાર થાય તો કાર્યવાહી કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક