• સોમવાર, 06 મે, 2024

એક અઠવાડિયા સુધી લોકોએ  ગરમીનો સામનો કરવો પડશે રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી 

અમદાવાદ, તા.25 : રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારમાં મહતમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી એક અઠવાડિયા સુધી લોકોએ ગરમીનો સામનો કરવો પડશે, રાજ્યના તાપમાનમાં હજુ વધારો થશે. 

છેલ્લા પાંચ દિવસમાં તાપમાન નીચું રહેતા લોકોને રાહત મળી હતી, પરંતુ હવે આગામી એક અઠવાડિયા સુધી ગરમીમાં સતત વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી અનુસાર, અમદાવાદમાં 29 એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જશે જ્યારે અન્ય શહેરોમાં પણ ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે. તેમજ રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ તાપમાન વધશે.

અમદાવાદમાં 41.3, રાજકોટમાં 40.7 ડિગ્રી

રાજ્યમાં આજે મુખ્ય શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાન જોઇએ તો અમદાવાદમાં મહતમ 41.3 (લઘુતમ 27.5), અમરેલીમાં 40.4 (24.8), બરોડામાં 40 (27), ભાવનગરમાં 37.5 (27.6), ભુજમાં 39  (22.4), રાજકોટમાં 40.7 (22.3) અને સુરતમાં 38 (26.3) ડિગ્રી તાપમાન રહ્યંy હતું.

ગિરનાર પર્વત પર 42 ડિગ્રી

જૂનાગઢ : જૂનાગઢમાં બે દિવસ ગરમીમાં રાહત અનુભવાયા બાદ આજથી સૂર્યનારાયણ કોપાયમાન બન્યા હોય એમ ગગનમાંથી અગન વર્ષા થઈ રહી છે. શહેરનું તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગિરનાર પર્વત પર તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક