• સોમવાર, 06 મે, 2024

સુરત તાપી નદીમાંથી બે પિસ્ટલ ચાર કાર્ટીસ શોધી કાઢયા સલમાનખાનના ઘર પર ફાયરિંગ કેસમાં કાર્યવાહી

સુરત, તા.ર3 (ફૂલછાબ ન્યૂઝ): બોલીવુડ સ્ટાર સલમાનખાનના ઘર પર થયેલા ગોળીબાર પ્રકરણની તપાસ સુરત સુધી લંબાઈ છે. ગઈકાલે મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર દયા નાયકની ટીમ બન્ને હુમલાખોરોને લઈને સુરત આવી પહોંચ્યા હતા. આજે તપાસ ટીમને બે પિસ્તોલ તાપી નદીમાંથી મળી આવી હતી.

સલમાન ખાનના ઘર પર ગોળીબાર પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ વિક્કી ગુપ્તા અને સાગર પાલ દ્વારા કબૂલાતને પગલે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા તાપી નદીમાં છેલ્લા બે દિવસથી ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મુંબઈથી તપાસ અર્થે આવેલી ટીમને તાપી નદીમાંથી બે પિસ્તોલ મળી આવી હતી.

મુંબઈથી આવેલા તરવૈયાઓએ સવારથી જ તાપી નદીમાં અલગ અલગ સ્થળે ડૂબકી મારી પિસ્તોલ શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમને મોબાઈલ, કારતૂસ અને ર પિસ્તોલ પણ મળી આવ્યા છે.

શહેરના ઉત્રાણ રેલવે બ્રિજ પરથી ફાયરિંગ કરનારા આરોપીઓએ તાપી નદીમાં બન્ને હથિયાર ફેંકી દીધા હતાં. આ હથિયારો શોધવા માટે મુંબઈના 6 તરવૈયા, ઉત્રાણના 8 તરવૈયા ઉપરાંત ર સ્પેશિયલ બોટને કામે લગાડવામાં આવી હતી. જેમાં એક હથિયાર મળી આવ્યું હતું બીજુ હથિયાર મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં મળ્યું ન હતું. આજે બીજુ હથિયાર પણ મળી આવ્યુ હતું. મુંબઈ પોલીસે ઉત્રાણ રેલવે બ્રિજ પાસે તાપી નદીમાં માછીમારી કરતા 10 માછીમારોની પણ પૂછપરછ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક