• સોમવાર, 06 મે, 2024

સુરતમાં ચૂંટણી બિનહરીફ પણ 18 લાખ મતદારોનો મતાધિકાર એળે લોકશાહીના મહાપર્વમાં સુરતીઓ મતદાનથી વંચિત રહેશે, પાંચ વર્ષ રાહ જોવાની રહેશે 

 ખ્યાતિ જોશી 

સુરત તા. 23 : ચૂંટણી પ્રક્રિયાથી ભારતીય જનતા પાર્ટીના સુરત બેઠકના ઉમેદવાર મુકેશ દલાલની ઐતિહાસિક બિનહરીફ જીત માટે ભાજપાને ચોક્કસ અભિનંદન પરંતુ બધાને અંતે લાખ રૂપિયાનો સવાલ એ કે સુરત બેઠક પરના 18.08 લાખ મતદારોના ઝૂંટવાયેલા મતાધિકાર માટે જવાબદાર કોણ?... સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ જ બાબત હવે છૂપી નથી. સૌ કોઈ બધુ જાણે છે અથવા તો સોશિયલ પ્લેટફોર્મના માધ્યમથી જાણકારી મેળવી લે છે. રાજકીય પક્ષોએ ભૂલવું જોઈએ નહીં કે શાણો મતદાર તમને બહુમતીથી ચૂંટી કાઢવાની ક્ષમતા ધરાવે છે તે જ મતદાર ઇવીએમમાં વિરોધીને મત આપી પછાડવાની પણ તાકાત ધરાવે છે પરંતુ અહીં મતદારનો હક જ છીનવાઈ જાય તો શું કરવું તેની વ્યાધી છે?

સુરત બેઠક ઐતહાસિક બિનહરીફ જાહેર થયા બાદ સોશિયલ મીડિયામાં ખૂણે ખાચરે એક સવાલ પૂછાય રહ્યો છે કે 18.08 લાખ સુરતી મતદારોનો મતાધિકાર ઝૂંટવવા પાછળ જવાબદાર કોણ? મતદારો સાથે જોડાયેલા નાજૂક મામલાની વાસ્તવમાં તપાસ થવાની જરૂર છે. પડદા પાછળ કોણ ગેમ કરી ગયું તે જાહેર થવું અત્યંત આવશ્યક છે. જે પ્રકારની સ્થિતિ ઘડાઈ છે તે જોતા લોકશાહીના મહાપર્વમાં સુરતીઓ મતદાનથી વંચિત રહેશે અને આવનારા પાંચ વર્ષ મતદારોએ તેમના મનપસંદ ઉમેદવારને ચૂંટી કાઢવાની પ્રક્રિયાની રાહ જોવાની રહેશે. 

જે પ્રમાણે સુરતમાં હાઇવોલ્ટેજ ડ્રામા થયો તે પાછળ બધા રાજકીય પક્ષોએ આત્મમંથન કરવાની જરૂર છે. લોકશાહીમાં આ પ્રકારે જો ચાલતું રહેશે તો આવનારી પેઢીને આપણે શું વારસામાં આપીશું? ચૂંટણી પ્રક્રિયામાં કર્મચારી દ્વારા અજાણતા પણ નાની સરખી ભૂલ થાય તો તેણે અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. કોર્ટમાં જવું પડે છે પરંતુ અહીં તો જાણે આયોજનબદ્ધ રીતે લોકશાહીના મૂલ્યોને ભંગ કરવામાં આવ્યા છે તેવું લાગી રહ્યું છે. 

કોંગ્રેસના ઉમેદવાર અને કોંગી આગેવાનોની બેદરકારી અને બેફીકરાઈમાં 18 લાખથી વધુ સુરતી મતદારોનો શું વાંક? સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસના ઉમેદવારથી માંડી સમગ્ર નેતાગીરી વામણી સાબિત થઈ તો સામે છેડે ભાજપાએ પણ ખેલદીલી સાથે ચૂંટણી મેદાન જાળવી રાખવાને બદલે બિનહરીફ થવાનું સ્વીકાર્યું. 

વર્ષ 1984થી આ બેઠક ભાજપનો ગઢ રહ્યું છે. કાશીરામભાઈ રાણા વર્ષ 1984માં લોકસભા બેઠક પ0 હજારથી વધુ લીડથી જીત્યા હતા. એ પછીથી ભાજપની લીડમાં સતત વધારો થયો અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં દર્શનાબેનને 7.95 લાખથી વધુ મત મળ્યા હતા અને 5.48 લાખની બહુમતી સાથે દર્શનાબેનની જીત થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, સુરત બેઠક કોંગ્રેસ માટે જીતવી લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. એવામાં કોંગી ઉમેદવારના આઉટ થયા બાદ ખેલદીલી પૂર્વક અપક્ષો વચ્ચે રહીને પણ જો ચૂંટણી યોજાઈ હોત તો લોકશાહીના મૂલ્યો જળવાયેલા રહેત. હાલની સ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયાથી મેળવેલી જીતનો કોઈ વિરોધ નથી પરંતુ લોકશાહીના મૂલ્યોની હાર થઈ છે જે ચિંતાનો મોટો વિષય છે. 

સુરતમાં સીટ બીન હરીફ થતા 6 કરોડનો ખર્ચ બચ્યો છે!, સામે આશરે 18 લાખથી વધુ મતદારોનો મત અધિકાર છીનવાયો છે. જ્યારે સરકારે તા.7 મેના મતદાન માટે રજા જાહેર કરી છે. તો હવે સુરત બેઠક બિનહરીફ થતા તા.7ની રજાનું શું? આ પ્રશ્નો લોકોને અકળાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક