વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને
કરાવી માતા-પુત્રની વીડિયો કોલ પર વાત; 13 મહિનાથી કેદ સાહિલે પોતાની સ્થિતિ જણાવી,
વતન પરત લાવવાની આશા વધી
(ફૂલછાબ ન્યુઝ)
મોરબી, તા.6: યુક્રેનના ડિટેન્શન
સેન્ટરમાં છેલ્લા 13 મહિનાથી કેદ મોરબીના સાહિલ માજોઠી સાથે આખરે તેની માતા હસીનાબેનને
વીડિયો કોલ દ્વારા વાતચીત કરવાની તક મળી હતી. એડવોકેટ દીપા જોસેફે યુક્રેન પહોંચીને
આ ભાવુક મુલાકાત શક્ય બનાવી હતી. વીડિયો કોલ દરમિયાન માતા અને પુત્ર વચ્ચે લાગણીસભર
દૃશ્યો સર્જાયા હતા.
દીપા જોસેફની હાજરીના કારણે હસીનાબેનને
પુત્ર સાહિલ સાથે આશરે અડધો કલાક સુધી વિગતવાર વાતચીત કરવાનો અવસર મળ્યો હતો. આ દરમિયાન
સાહિલે ડિટેન્શન સેન્ટરમાં પોતાની દિનચર્યા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે તે
સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી ફર્નિચર બનાવવાનું કામ કરે છે. જેમાં લાકડાના સોફા સેટ
સહિતનું ફર્નિચર બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.
પુત્ર સાથે વાતચીત થયા બાદ માતા
હસીનાબેને રાહતનો શ્વાસ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે યુક્રેન સરકાર તેમના પુત્રની
સારી રીતે સંભાળ રાખી રહી છે. જોકે, માતાની એક જ ઇચ્છા છે કે તેમનો પુત્ર વહેલી તકે
સહીસલામત ભારત પરત ફરે.
સાહિલ માજોઠીને ભારત પરત લાવવાના
પ્રયાસો વચ્ચે હવે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. એડવોકેટ દીપા જોસેફ આગામી 9 તારીખે
યુક્રેનના જનરલ બ્રિગેડિયર સાથે મુલાકાત કરવાના છે. આ બેઠકમાં સાહિલની મુક્તિ અને તેને
સુરક્ષિત રીતે ભારત પરત લાવવાના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠક બાદ સાહિલના
ભારત પરત ફરવાના મામલે કોઈ સકારાત્મક નિર્ણય આવે તેવી આશા તેના પરિવારજનો રાખી રહ્યા
છે.