ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે
ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં તંત્ર એલર્ટ; નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, દિલજીત દોસાંઝની કોન્સર્ટ
સહિત અનેક સ્થળોને નિશાન બનાવવાની ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.5: દિવાળીના તહેવારો
વચ્ચે ધનતેરસના દિવસે ગુજરાત હાઇકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલય સી.એમ.ઓ.ને બોમ્બથી
ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. બપોરે 1.11 વાગ્યે
હાઇકોર્ટ અને 3.11 વાગ્યે સી.એમ.ઓ ને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. ખાલિસ્તાન નેશનલ
આર્મીના નામે આવેલા મેઇલ બાદ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સોલા પોલીસની ટીમે તપાસ
હાથ ધરી હતી. હાઇકોર્ટમાં સઘન ચાકિંગ કરાયું હતું, જોકે કોર્ટની કામગીરી રાબેતા મુજબ
ચાલુ રહી હતી.
ધમકીભર્યા મેઇલમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને ગાયક દિલજીત
દોસાંઝ સહિતના નામોનો ઉલ્લેખ કરી દેશનાં વિવિધ મંદિરો અને મેટ્રોને નિશાન બનાવવાની
ચીમકી અપાઈ હતી. 21 નવેમ્બરે સ્ટેડિયમમાં યોજાનારી દિલજીત દોસાંઝની કોન્સર્ટ દરમિયાન
બ્લાસ્ટ કરવાની તેમજ 8 અને 27 નવેમ્બરે વિસ્ફોટ કરવાની ધમકીનો પણ ઉલ્લેખ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા
11 મહિનામાં સંવેદનશીલ સ્થળોને ધમકી આપતો આ 10મો ઈ-મેઇલ હોવાનું સામે આવ્યું છે. અગાઉ
શાળાઓ, કોર્ટ, પોસ્ટ ઓફિસ અને વિધાનસભાને પણ નિશાન બનાવવાની ધમકીઓ મળી હતી. અગાઉ અમદાવાદની
શાળાઓને મળેલી ધમકીની તપાસમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું હતું.
આ વખતે પણ સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી હતી, જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ
મળી આવી નહોતી.