પોરબંદર
પોક્સો કોર્ટનો દાખલારૂપ ચુકાદો : 20 જેટલા સાહેદોના મૌખિક અને
67 જેટલા દસ્તાવેજી પુરાવાઓ
કોર્ટ સમક્ષ રજૂ થયા
પોરબંદર
તા.28: શિક્ષક એટલે સમાજનો ઘડતર અને વિદ્યાર્થી માટે બીજા પિતા સમાન, પરંતુ આ પવિત્ર
સંબંધને લાંછન લગાડનાર મંડેર ગામના એક શિક્ષકને પોરબંદરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજીવન
સખત કેદની સજા ફટકારી, ન્યાયની મશાલ પ્રગટાવી છે અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળકીઓની
સુરક્ષા સાથે ચેડા કરનારને કોઈ કાળે છોડવામાં નહીં આવે.
ફરિયાદીની
સગીર વયની દીકરી મંડેર ગામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી અને આરોપી વિપુલ બાબુભાઈ
ગોહેલ તે જ શાળામાં વર્ગ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. શિક્ષક તરીકેની ફરજ પર હોય ત્યારે
જ તેણે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને શર્મસાર કર્યો હતો. આરોપીએ તા. 22/01 થી તા.
27/01/25 દરમિયાન શાળાના બિલ્ડીંગમાં જ અલગ-અલગ જગ્યાએ અને અલગ-અલગ સમયે સગીર બાળકીને
ડરાવી-ધમકાવી, વર્ગખંડમાં મરજી વિરુદ્ધ કપડા કઢાવી, મોબાઈલમાં નગ્ન ફોટા પાડી એક કરતા વધારે વખત બળજબરીપૂર્વક
બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનારના માતા
દ્વારા માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં
પ્રોસીક્યુશન તરફે સરકારી વકીલ સુધિરાસિંહ બી. જેઠવા રોકાયેલા હતા. તેમણે આ ગંભીર ગુનામાં
આરોપીને તકસીરવાન ઠરાવવા માટે 20 જેટલા સાહેદોના મૌખિક પુરાવા અને 67 જેટલા દસ્તાવેજી
પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરી અસરકારક દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા
મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપીના કૃત્યને અત્યંત ઘૃણાસ્પદ અને
સમાજ માટે કલંકરૂપ ગણી, તેને તકસીરવાન ઠરાવ્યો છે. કોર્ટે આરોપી વિપુલકુમાર બાબુભાઈ
ગોહેલને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠરાવી આજીવન સખત કેદની સજા તથા કુલ રૂ.1,15,000નો દંડ
ફટકારતો હુકમ કર્યો છે.