PSIએ પોતાની જ રિવોલ્વરથી લમણે ગોળી
મારી : અંગત કારણોની આશંકા
ગાંધીનગર,
તા. 28: ગાંધીનગરમાં મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર તન્વીરાસિંહ
જે. ઝાલાના આપઘાતની ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસ કોલોનીમાં તેમણે
પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં
સામે આવ્યું છે.
પ્રાપ્ત
માહિતી અનુસાર, વર્ષ 2017ની બેચના પીએસઆઇ તન્વીરાસિંહ ઝાલાએ પોલીસ કોલોનીમાં અચાનક
ફાયારિંગ કર્યું હતું. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને સાથી કર્મચારીઓ ઘટનાસ્થળે
દોડી આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ તેમના
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તેઓ અંગત
અથવા પારિવારિક સમસ્યાઓને કારણે માનસિક તણાવમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી
છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસને તેમની પાસેથી
કોઈ સુસાઇડ નોટ મળી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ
મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા પરિવારજનોનાં
નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાશે. ઘટનાની હકીકત જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ
પણ લેવામાં આવી રહી છે.