• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

વડિયા અને જેતપુર બાયપાસ માટે રૂ.377.36 કરોડના ખર્ચને મંજૂરી

-કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત ઃ બાયપાસના નિર્માણથી ટ્રાફિક જામમાં ઘટાડો થશે

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.3 ઃ ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-351 પર ‘વડિયા બાયપાસ અને જેતપુર બાયપાસ (થાનાગાલોળ રિ-અલાઇનમેન્ટ સહિત, કુલ લંબાઈ 20.44 કિમી) ના નિર્માણ માટે રૂ.377.36 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી હોવાનું કેન્દ્રિય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-351 પીપાવાવ પોર્ટ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 પર મહુવાથી શરૂ થઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 પર જેતપુર ખાતે પૂર્ણ થાય છે. આ માર્ગ પીપાવાવ પોર્ટને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર) સાથે જોડે છે. આ માર્ગને પેવ્ડ શોલ્ડર સાથેના ટુ-લેન કન્ફિગરેશનમાં પાંચ પેકેજ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે. આ બંને બાયપાસનું નિર્માણ પૂર્ણ થયા બાદ સમગ્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-351 પર પેવ્ડ શોલ્ડર સાથેનું સતત ટુ-લેન કન્ફિગરેશન ઉપલબ્ધ થશે.

વાડિયા અને જેતપુર નજીકના હાલના માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા તેમજ અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. બાયપાસના નિર્માણથી ટ્રાફિક જામમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં વધારો થશે તેમજ વાહનોના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. પરિણામે મુસાફરોને વધુ સારું માઈલેજ અને વધુ સુગમ તથા આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક