• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

કાલુપુર સ્ટેશન પર રૂ.15 લાખના હીરાની ચોરી

- ભીડનો લાભ લઈ આંગડિયા કર્મચારીના ગુપ્ત ખિસ્સામાંથી ગઠિયો પાર્સલ ઉઠાવી ગયો

અમદાવાદ, તા. 3ઃ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડનો લાભ લઈ ગઠિયાએ આંગડિયા પેઢીના કર્મચારીના ગુપ્ત ખિસ્સામાં રાખેલા અંદાજે રૂ.15 લાખના હીરાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આંગડિયા કર્મચારીઓ માટે ખાસ બનાવેલી બંડી અને પેન્ટના ગુપ્ત ખિસ્સામાં હીરાનાં પાર્સલ રાખવામાં આવ્યા હતા. ગુજરાત મેલ ટ્રેનમાં મુંબઈ જવા ચઢતી વખતે હીરા ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

રાયપુરના મંછારામ હકમાજી પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી જયંતી સોમા આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. તેઓ ભાગીદાર મદનાસિંહ રાઠોડ તથા અન્ય કર્મચારીઓ સાથે મુંબઈ જઈ રહ્યા હતા. મંછારામે ટ્રેનમાં થેલો સીટ નીચે મૂક્યા બાદ ગુપ્ત ખિસ્સા તપાસતાં હીરાનાં પાર્સલ ગાયબ જણાયા હતા. ચોરી થયેલા હીરા પાલનપુરના પ્રવીણ ચૌધરીએ મુંબઈના યોગેશ્વર ડાયમંડને પહોંચાડવા મોકલ્યા હતા. અમદાવાદ રેલવે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક