આજે કચેરી કામગીરીથી અળગા રહી વિરોધ, તા.5ના માસ સીએલ અને તા.7થી અનિશ્ચિત હડતાલનું એલાન
રાજકોટ, તા.2 : ગુજરાતમાં સરકારી
કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઇ આંદોલનનો માહોલ વકર્યો છે. છેલ્લા 12 દિવસથી લેન્ડ રેકર્ડના
સર્વેયરોની બેમુદતી હડતાલ ચાલી રહી છે, ત્યારે હવે મહેસુલી કર્મચારીઓએ પણ પ્રશ્નોનું
તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો હડતાલનું એલાન કર્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી
મહામંડળે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં બઢતી-બદલીમાં થયેલા અન્યાય, મહેસૂલી તલાટીઓના
જોબ ચાર્ટમાં દર્શાવાયેલી અન્ય વિભાગની કામગીરી દૂર કરવા સહિતની 14 જેટલી પડતર માગણીઓ
રજૂ કરી છે. મહામંડળના જણાવ્યા મુજબ કર્મચારીઓ પર અવાસ્તવિક અને બિનજરૂરી લક્ષ્યાંકો
આધારિત કામગીરીનું દબાણ છે. ઓનલાઇન સિસ્ટમની વિસંગતતા ઉપરાંત વહીવટી તથા ફિલ્ડ સ્તરે
અમલ કરવો મુશ્કેલ હોય તેવી અન્ય વિભાગની કામગીરી પણ મહેસુલી કર્મચારીઓ પર નાખવામાં
આવે છે. આ પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો છતાં માત્ર મૌખિક આશ્વાસનો મળતા હોવાનો આક્ષેપ
કરવામાં આવ્યો છે.
મહામંડળના હોદ્દેદારો જામસંગ
પરમાર, કૌશિક સોલંકી અને અનિરુદ્ધાસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ 3 ઓક્ટોબરે કર્મચારીઓ
કચેરી સંબંધિત કામગીરીથી અળગા રહી, વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થઈ કાળી પટ્ટી ધારણ કરી
વિરોધ નોંધાવશે. ત્યારબાદ 5 ઓક્ટોબરે માસ સીએલ અને 7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાલ
શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.