• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

રાશન વિતરણ વ્યવસ્થામાં થશે મોટો ફેરફાર ફિંગરપ્રિન્ટ ન મળે તો ચહેરો બનશે ઓળખ

વૃદ્ધો-શ્રમિકોની મુશ્કેલી દૂર કરવા ફેસ ઓથેન્ટિકેશન લાવવાની તૈયારી

72 લાખ કાર્ડધારકોને ફાયદો થવાની શક્યતા

રાજકોટ, તા.2 : ગુજરાતમાં આશરે 72 લાખ રાશનકાર્ડ ધારકોને હાલમાં ફિંગરપ્રિન્ટ માચિંગ બાદ રાશનનો જથ્થો આપવામાં આવે છે. જોકે, વૃદ્ધો, શ્રમિકો સહિત અનેક લાભાર્થીઓને આંગળીઓના નિશાન સ્પષ્ટ ન હોવાથી બાયોમેટ્રિક ચકાસણીમાં મુશ્કેલી પડે છે. પરિણામે કેટલીક વખત રાશન લીધા વિના પરત ફરવાની સ્થિતિ સર્જાય છે. હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ચહેરા દ્વારા ઓળખની નવી વ્યવસ્થા લાવવાની દિશામાં મહત્ત્વની કાર્યવાહી વિચારણા હેઠળ છે.

રાજ્યના પૂરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર દિપક અતાણીએ જણાવ્યું હતું કે, ફિંગરપ્રિન્ટ મેચ ન થવાના કિસ્સામાં ચહેરાનું વેરિફિકેશન કરીને રાશન આપવાની વ્યવસ્થા અંગે પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે અને નજીકના સમયમાં તેનો અમલ શક્ય છે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ ઈ-પીઓએસ મશીન પર ફિંગરપ્રિન્ટ મેચ ન થાય તો કેમેરાની મદદથી લાભાર્થીના ચહેરાનું સ્કાનિંગ કરવામાં આવશે. ત્યારબાદ આધાર સાથે જોડાયેલા ડેટા દ્વારા ઓળખની ચકાસણી કરીને રાશનનો જથ્થો આપવામાં આવશે. નેટવર્ક, ટેકનિકલ ખામી અથવા આંગળીઓના નિશાન ઘસાઈ જવાથી થતી મુશ્કેલીમાં આ વિકલ્પ ઉપયોગી બનશે. ઉંમર વધતા વૃદ્ધોના ફિંગરપ્રિન્ટ ઝાંખા પડવા તેમજ સતત શારીરિક શ્રમના કારણે શ્રમિકોની આંગળીઓના નિશાન બદલાવા જેવી સમસ્યાઓથી બાયોમેટ્રિક ચકાસણી નિષ્ફળ જાય છે. ચહેરા આધારિત વેરિફિકેશનથી આવા લાભાર્થીઓને રાશન મેળવવામાં સરળતા રહેવાની આશા છે.

ઇ-પેપરના નવા શુલ્ક