• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

કોડિનારના છારા ગામે દરિયામાં પાંચ કિશોર ડૂબ્યા, ત્રણનો બચાવ; બે લાપતા

કોડિનાર, તા. 4 ગિર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના છારા ગામે દરિયા કિનારે ફરવા ગયેલા પાંચ કિશોર ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. મંગળવારે બનેલી ઘટનામાં સ્થાનિક માછીમારોની સતર્કતા અને બહાદુરીથી ત્રણ કિશોરને જીવિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે કિશોર હજુ પણ દરિયામાં લાપતા છે. તેમની શોધખોળ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ પાંચેય કિશોર વિદ્યાર્થીઓ છે અને ધોરણ 10 તથા 11માં અભ્યાસ કરે છે. બપોરના સમયે તેઓ દરિયા કિનારે પહોંચ્યા હતા. દરમિયાન બે કિશોર દરિયામાં નાહવા ઉતર્યા હતા અને અચાનક ઊંડા પાણી તથા ભારે પ્રવાહમાં ફસાઈ ગયા હતા. મિત્રોને બચાવવા માટે અન્ય ત્રણ કિશોર પણ દરિયામાં કૂદી પડÎ હતા, પરંતુ તેઓ પણ પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં નજીકના માછીમારો તરત દરિયામાં ઉતરી બચાવ કામગીરી શરૂ કરી હતી અને ત્રણ કિશોરને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે બે કિશોર દરિયાના પ્રવાહમાં તણાઈ જતા લાપતા બન્યા હતા. લાપતા કિશોરની ઓળખ છારા ગામના 16 વર્ષીય નિર્મળ હમીરભાઈ ચુડાસમા અને 16 વર્ષીય ભાવાસિંહ ભરતભાઈ ચુડાસમા તરીકે થઈ છે. બંનેને શોધવા માટે સ્થાનિક માછીમારો, પ્રશાસન અને પોલીસની ટીમો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શોધખોળમાં ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં કોડીનાર મામલતદાર, ટીડીઓ, પીઆઈ સહિતનો પોલીસ કાફલો તેમજ તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ અને આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. દરિયો હોવાથી જરૂર પડે તો વધુ મોટા સ્તરની બચાવ કામગીરી તેમજ હેલિકોપ્ટરની મદદ લેવાની પણ ચર્ચા ચાલી રહી છે. સમગ્ર છારા ગામમાં શોક અને ચિંતાનો માહોલ છવાયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક