• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

સીમાંકન ખરડા માટે સંસદનું વિશેષ સત્ર યોજાશે

16થી 18 ઓગસ્ટ ત્રણ દિવસ યોજાશે: રિજ્જુએ રાહુલ-પ્રિયંકા સાથે બેઠક કરી

રાહુલે કહ્યું; પહેલાં પ્રદર્શનકારી છાત્રો પર પોલીસ કાર્યવાહી અંગે સંસદમાં ચર્ચા કરો

નવી દિલ્હી, તા. 5 : રાજકીય ઘર્ષણનું કારણ બનેલા અને લાંબા સમયથી અટકી પડેલા સીમાંકન ખરડાને પસાર કરાવવા માટે મોદી સરકાર ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારીમાં છે. આ સત્ર 16થી 18 ઓગસ્ટ વચ્ચે યોજાશે. ખાસ આ મુદ્દે કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ બુધવારે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને બેઠકમાં 50 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. સંસદ ભવન પરિસરમાં વિપક્ષી સાંસદોનાં વિરોધ પ્રદર્શન પહેલાં રિજ્જુ સાથે મુલાકાત અંગે કોંગ્રેસ સાંસદ કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે, સીમાંકન મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષનું વલણ એકસમાન છે.

દરમ્યાન, રાજ્યસભા બાદ લોકસભામાં પણ આજે બુધવારે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની સંખ્યા વધારવાનું વિધેયક પસાર થઇ ગયું હતું. બંને ગૃહમાં આ ખરડો પસાર થઇ જતાં હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ વિધિવત્ કાયદો બની જશે અને સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ન્યાયમૂર્તિઓની સંખ્યા 34માંથી વધીને 38 થઇ જશે. લગભગ 50 મિનિટ ચાલેલી બેઠક દરમ્યાન રાહુલ ગાંધીએ રિજ્જુને સ્પષ્ટ કહી દીધું હતું કે, પહેલાં દિલ્હી પોલીસે પ્રદર્શનકારી છાત્રો પર કરેલી કાર્યવાહીના મુદ્દે સંસદમાં ચર્ચા કરાવાય, તેવું વિપક્ષ ઇચ્છે છે.

બેઠક દરમ્યાન સરકારે સીમાંકન તેમજ એફસીઆરએ વિધેયક પર પણ ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રી રિજ્જુએ રાહુલ અને પ્રિયંકાને આ બંને ખરડા પર સમર્થન આપવા અપીલ કરી હતી.

કોંગ્રેસ સહિત વિપક્ષોનું વલણ સ્પષ્ટ છે કે, સીમાંકન વિધેયક પર ચિંતાઓનું સમાધાન થયા પછી જ કોઇ અંતિમ ફેંસલો લેવાશે. સરકાર સીમાંકન સહિત મહત્ત્વપૂર્ણ વિધેયકો પર વાતચીતના માધ્યમથી સહમતી સાધવા ઇચ્છે છે, પરંતુ મક્કમ વિપક્ષના અડગ વલણને જોતાં સરકાર માટે કપરાં ચઢાણની સ્થિતિ દેખાય છે.

સીમાંકન વિધેયક દેશમાં વસતીના તાજા આંકડાઓના આધારે લોકસભા અને વિધાનસભા ક્ષેત્રોની સીમાઓ નવેસરથી નક્કી કરવાની કવાયત સાથે જોડાયેલું છે.

પ્રાદેશિક સંતુલન અને બેઠકોની ફાળવણી અંગે વિપક્ષો અને ખાસ કરીને દક્ષિણ ભારતીય રાજ્યોએ પોતાની ચિંતાઓ દર્શાવી છે. કેન્દ્ર સરકાર સીમાંકન ખરડો પસાર કરવા માટે કોંગ્રેસ જ નહીં, પરંતુ અન્ય વિપક્ષો સાથે સતત વાતચીત કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોએ નારેબાજી કરતાં ગાંધી પ્રતિમાથી મકરદ્વાર સુધી રેલી યોજી હતી. ખડગેએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આવે.

ઇ-પેપરના નવા શુલ્ક