• બુધવાર, 01 જુલાઈ, 2026

ખેડૂતના હાથમાં બીજ, મનમાં આશ : વરસાદ વિના વાવેતર કેમ કરવું ?

આગોતરી વાવણી પછી ગુજરાતમાં વાવેતર જ નથી થયું ! જૂન કોરોકટ્ટ જતાં વાવણીની સ્થિતિ ગંભીર

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ,તા.30 :  ધારેલા પાર ન પડે ને અણધાર્યા થાય.. કહેવત આ વેળા મગફળીની વાવણીને લાગુ પડે છે. મગફળીમાં ખૂબ સારાં ઉતારા અને સવાયા ભાવને લીધે ચારેકોર મગફળીના વાવેતર થઇ જશે એવી ધારણા હાલ તો વરસાદના અભાવમાં ખોટી પડી રહી છે. વરસાદ વરસતો જ ન હોવાથી ખરીફ વાવેતર ગયા વર્ષની તુલનાએ હાંફી રહ્યા છે. એમાં ય મગફળીનું વાવેતર 80 ટકા કપાઇ ચૂક્યું છે. તો કપાસની સ્થિતિ પણ વખાણવા લાયક નથી. કપાસમાં 60 ટકાનો કાપ મૂકાયેલો દેખાય છે. અલબત્ત ખેડૂતોને તો રસ છે પણ ચોમાસું વરસતું નથી એટલે વાવણીકાર્ય સ્ટોપ થઇ ચૂક્યું છે.

કૃષિ વિભાગે ગુજરાતમાં 12.71 લાખ હેક્ટરમાં વાવણી નોંધી છે, એ આગલા વર્ષના 33.91 લાખ હેક્ટર સામે 40 ટકા જ છે ! અલબત્ત 60 ટકાનું ગાબડું. ખેડૂતોને તો વાવેતર કરવું જ છે પણ પાણી ક્યાં ? અત્યારે તો આગોતરા વાવેતર થયાં છે એ પણ મરવાના વાંકે જીવી રહ્યા છે ત્યારે ચોમેર ચોમાસું વરસી પડે એવી જ પ્રાર્થનાઓ થઇ રહી છે.

મે મહિનામાં કોરામાં કે ઓરવીને વાવેતર થયાં એ થયાં પછી કોઇ પ્રગતિ નથી. મગફળીનું વાવેતર ગયા વર્ષે જૂનના તે 80 ટકા પતી ગયું હતુ અને અત્યારે લગભગ 75 ટકા બાકી છે. ખેડૂતો મગફળી તૈયાર રાખીને બેઠાં છે, ઝટ વરસાદ પડે ને પટ્ વાવી દઉં. આવી જ સ્થિતિ કપાસમાં પણ છે. કપાસનું વાવેતર 13.99 લાખ હેક્ટરમાં ગયા વર્ષે હતુ એના કરતા 60 ટકા ઓછું 6.83 લાખ હેક્ટર સુધી જ અટકેલું પડયું છે.

મગફળી અને કપાસની માફક અન્ય પાકની વાવણીની સ્થિતિ ય સારી નથી. તુવેરનું 22 હજાર સામે 4900 હેક્ટરમાં વાવેતર છે. મગનું ચાર હજાર સામે 300 હેક્ટર અને અડદનું 3200 હેક્ટર સામે 200 હેક્ટરમાં વાવેતર છે.

તલના વાવેતર ઓછાં પાણીમાં થતાં હોય છે પણ અત્યારે તો પાણી જ નતી એટલે માંડ 400 હેક્ટર નજીક વાવેતર છે. સોયાબીનનું વાવેતર ગયા વર્ષે આ સમયે 1.20 લાખ હેક્ટર હતુ તે 15 હજાર હેક્ટરે અટકેલું છે.

વાવણીના દિવસો પસાર થઇ રહ્યા છે અને વરસાદના અણસાર નથી. જોકે હવે જુલાઇના પ્રથમ-બીજા સપ્તાહમાં ધોધમાર વરસાદની આગાહી છે. કુદરત વરસશે તો ખેતરોમાં બીજ પણ વરસશે. જોકે હવે વરસાદ દગો દે તો પાક વાવેતરના ગણિતો અને પાકની પેટર્ન બદલાઇ જવાની નક્કી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં July 01, Wed, 2026