-
સપ્તાહમાં વરસાદ ન પડે
તો ઓરવેલા વાવેતર ક્ષતિગ્રસ્ત થઇ જશે : ખરીફ
વાવણીને 59 ટકા જેટલો ફટકો
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,તા.22:ચોમાસું
ખેંચાઇ જતા ખેડૂતોમાં ભારે ચિંતા વચ્ચે ખરીફ પાકના વાવેતર પ્રભાવિત થવા લાગ્યા છે.
ગુજરાતના ખેતી ક્ષેત્ર પર ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે કારણ કે ખરીફ વાવેતરમાં જબરો
કાપ દેખાયો છે.
ગુજરાતમાં
છેલ્લાં કેટલાક વર્ષોથી જૂનના આરંભે કે મે મહિનાના અંતે પ્રિમોન્સૂન વરસાદ થઇ જતા ખેડૂતો
હોબેશ વાવણી કરી લેતા હોય છે. જોકે આ વખતની પરિસ્થિતિ સંપુર્ણ બદલાઇ ચૂકી છે. કપાસ
અને મગફળી જેવા મહત્વના અને મોટાં પાકના વાવેતરના આંકડાઓ પાછળ રહી ગયા છે. કુલ વાવેતરને
પણ આશરે 59 ટકા ફટકો એ કારણે પડ્યો છે.
ગુજરાતમાં
22 જૂન સુધીમાં 7.66 લાખ હેક્ટરમાં જ વાવેતર થઇ શક્યું છે. જે ગયા વર્ષમાં 18.29 લાખ
હેક્ટર સુધી પહોંચી ચૂક્યું હતું. કપાસના વાવેતરમાં ધરધમ ગાબડું પડ્યું છે. કપાસ ગુજરાતનો
મુખ્ય પાક ગણાય છે, કપાસનો વિસ્તાર 42 ટકા ઓછો થઇ ગયો છે. રાજ્યમાં ખેડૂતોએ 4.37 લાખ
હેક્ટરમાં વાવણી કરી છે. પાછલા વર્ષમાં વાવેતર 7.57 લાખ હેક્ટરમાં હતુ.
બીજી
તરફ મગફળી કે જે ખેડૂતો માટે શરૂ થયેલી ખરીફ મોસમમાં આશાવાદી પાક હતો તેના વાવેતરમાં
પચ્ચાસ ટકાથી વધારે મોટું 73 ટકા જેટલું ગાબડું છે. સરકારે 2.38 લાખ હેક્ટરમાં વાવણી
નોંધી છે. જે ગયા વર્ષમાં 9.06 લાખ હેક્ટર હતી.
ખેડૂતો
કહે છે, અત્યાર સુધી જેટલું વાવેતર દેખાય છે તે ઓરવેલું છે. હવે પાણીની સમસ્યા છે.
જો સપ્તાહમાં વાવણીલાયક
વરસાદ
ન થાય તો બિયારણ બળી જવાનો પૂરેપૂરો ભય છે. એટલું જ નહીં નવા વાવેતર વિસ્તારને પણ અસર
થવાની છે.
મે
મહિનામાં કપાસના ભાવમાં જોરદાર તેજી થયા પછી ખેડૂતોએ કપાસના બિયારણ ખરીદીને વાવી દીધાં.
જોકે એ પછી ભાવ તૂટી ગયા તો મગફળી અને સોયાબીન તરફ ઝૂકાવ્યું હતુ. હવે વરસાદ નથી એટલે
તમામ પાકમાં સમસ્યા છે.
જોકે
વરસાદ ખેંચાવાને લીધે હવે કોમોડિટીઝ બજારોમાં હલચલ વધી ગઇ છે. ધાણા, જીરૂ, એરંડા સહિતના
વાયદાઓમાં તીવ્ર વધઘટ દેખાઇ રહી છે. વરસાદ ખેંચાશે તો તેજીનો જુવાળ ફેલાશે.