-
યુદ્ધમાં રાહત વચ્ચે ઊર્જા
સંબંધિત નવી ચિંતા: નેચરલ ગેસ નિકાસ માટે ટર્મિનલ ચાલુ કરવાની કામગીરી દરમિયાન ભયાનક
દુર્ઘટના : 66ને ઈજા
નવી
દિલ્હી, તા.22: અમેરિકા અને ઈરાનનાં યુદ્ધ પછી પણ ઈંધણ અને ઊર્જા સુરક્ષા સંબંધિત ચિંતાઓ
ઓછી થવાનું નામ લેતી નથી. કતારમાં પ્રાકૃતિક ગેસ નિકાસનાં મહત્ત્વપૂર્ણ મોટા ટર્મિનલને
ફરીથી શરૂ કરવાનાં પ્રયાસો દરમિયાન એક પ્રચંડ વિસ્ફોટ થઈ ગયો હતો અને તેનાં હિસાબે
ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ભારતીયો સહિત 13 લોકોના મૃત્યુ થયા હતાં અને 66ને ઈજા
પહોંચી હતી. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે ઈરાની મિસાઈલ હુમલામાં પ્રભાવિત ટર્મિનલમાં
કામ ફરીથી શરૂ થઈ રહ્યું હતું. આનાં હિસાબે વૈશ્વિક ઊર્જા બજારમાં ફરી એકવાર ઉથલ-પાથલ
મચી શકે છે કારણ કે કતાર દુનિયામાં સૌથી મોટા નેચરલ ગેસ ઉત્પાદક પૈકી
એક
છે.
આ વિસ્ફોટની
ઘટના કતારનાં રાસ લાફાન ઔદ્યોગિક ક્ષેત્રમાં બની હતી. હોર્મુઝ બંધ હોવાનાં કારણે કતાર
દુનિયામાં ગેસની ખેપ મોકલી શકતું ન હતું. આનાં હિસાબે તેના દ્વારા ગેસ ઉત્પાદન રોકી
દેવામાં આવ્યું હતું. જો કે હવે યુદ્ધમાં શાંતિનાં ગંભીર પ્રયાસ શરૂ થયા બાદ કતારે
પોતાનાં નિકાસ ટર્મિનલને ફરીથી શરૂ કરવાનું કામ ચાલુ કરેલું. જો કે આ દરમિયાન બરજાન
ગેસ સપ્લાય સેન્ટરમાં ધડાકા સાથે પ્રચંડ આગ ભડકી ગઈ હતી. આમાં કેટલું નુકસાન થયું તે
પણ હજી સુધી અસ્પષ્ટ છે. અધિકારીઓએ બનાવને એક ટેક્નિકલ અકસ્માત ગણાવ્યો હતો. ઉલ્લેખનીય
છે કે,
બરજાન
ગેસ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા પ્રતિદિન 1.4 અબજ સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ વેંચવા લાયક
ગેસની છે. આનો ઉપયોગ તે મુખ્યત્વે દેશમાં વીજ ઉત્પાદન માટે કરતું હતું.